સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th May 2019

હલેન્ડા ગામે ગઈસાંજે કરા સાથે વરસાદ પડ્યો

૧૦૦-૧૦૦ ગ્રામના કરા પડ્યા : સતત પંદરેક મિનિટ એકધારો વરસાદ ચાલુ રહ્યો

રાજકોટ, તા. ૧૩ : ગઈકાલે રાજકોટ-સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ બફારો જોવા મળેલ. ગોંડલ વિસ્તારની આજુબાજુ કમોસમી વરસાદ પડ્યો હતો. દરમિયાન હલેન્ડા ગામે પણ મેઘરાજાએ તોફાની બેટીંગ કરી હતી. પંદરેક મિનિટ વરસાદમાં તો આખા ગામમાં પાણી ફરી વળ્યા હતા.

રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલ હલેન્ડા ગામે ગઈસાંજે કરા સાથે વરસાદ પડ્યો હતો. 'અકિલા'ના વાંચકમિત્ર અને હલેન્ડાની હરિહરાનંદ વિદ્યાલયના હાઈસ્કુલના આચાય શ્રી જેન્તીભાઈ રોકડએ જણાવ્યુ હતું કે ગઈસાંજે ગામમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ઠંડા પવન ફૂંકાવા લાગ્યા હતા. થોડીવારમાં તો દે ધનાધન વરસાદ શરૂ થઈ ગયો હતો.

જેન્તીભાઈએ જણાવેલ કે આકાશમાંથી ૧૦૦-૧૦૦ ગ્રામના કરા પડતા હતા. લગભગ પાંચથી સાત મિનિટ કરા પડ્યા હતા. ૧૫ મિનિટ સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

(11:49 am IST)