સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 13th May 2019

જૂનાગઢના સ્વામી મંદિરમાં મિડીયા કર્મીઓ પરના લાઠીચાર્જ મામલે એએસપીને તપાસનો હુકમ

માંગરોળના એએસપી રવિ તેજાને એસપી સૌરભસિંઘે સોંપી તપાસ

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૧૩ :.. જૂનાગઢનાં સ્વામી મંદિરમાં ગઇકાલે મિડીયા કર્મીઓ પર થયેલા કથિત લાઠીચાર્જ મામલે એએસપીને તપાસનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

રવિવારે જૂનાગઢમાં જવાહર રોડ સ્થિત સ્વામી નારાયણ મંદિરે રાધારમણ દેવ વહીવટી સમિતિની ચૂંટણી યોજાઇ હતી. જેનું સરેરાશ પ૧.૩ર ટકા મતદાન થયુ હતું.

મતદાન પ્રક્રિયા દરમ્યાન કવરેજ કરી રહેલા મિડીયા કર્મીઓને અટકાવવાનો ફરજ પરનાં પોલીસ અધિકારીએ પ્રયાસ કરી ન્યુઝ ચેનલનાં કેમેરામેન પર પાંચ જેટલા પોલીસ કર્મીઓ લાઠી સાથે તુટી પડયા હતા અને લાઇવ કીટને નુકશાન કર્યુ હતું.

તેમજ એક પોલીસ અધિકારીએ કેમેરામેનને લાફો ઝીંકી દીધો હતો પોલીસની આવી ગેરવર્તણુંકથી મીડીયા કર્મીઓમાં રોષ વ્યાપી ગયો હતો.

આ અંગેની જાણ થતાં એસપી સૌરભ સિંઘ તાત્કાલીક મંદિર ખાતે પહોંચી ગયા હતાં. અને તેઓને તપાસ બાદ કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.

દરમ્યાનમાં ગઇકાલે મિડીયા કર્મીઓ પરનાં કથિત લાઠીચાર્જ અંગે આજે સવારે એસપી સૌરભ સિંઘે 'અકિલા' સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, તેઓ આ ઘટનાને લઇને ખૂબ જ ગંભીર છે અને બનાવનાં મુળ સુધી પહોંચવા તપાસનો આદેશ જારી કર્યો છે.

પોલીસ અધિક્ષક સૌરભ સિંઘે જણાવેલ કે, મિડીયા કર્મીઓ પરનાં લાઠીચાર્જનાં કથિત બનાવની તપાસ માંગરોળ એએસપીને સોંપવામાં આવી છે. ગઇકાલનાં બનાવ અંગે કોઇ પોલીસ ફરીયાદ થઇ નથી. આમ છતાં એએસપીને તપાસનો હુકમ કરી ત્વરિત રિપોર્ટ આપવા તાકીદ કરી છે.

તપાસમાં જે કોઇ કસુરવાર જણાશે તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ એસપી સૌરભ સિંઘે જણાવ્યું હતું.

(11:32 am IST)