સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th April 2021

ચોટીલાના ભેંટસુડામાં એક પાડો અને ત્રીસ બોકડાઓની બલી ચડાવી દેવાઇ : અંધશ્રધ્ધા સામે જાથાનો પોકાર

રાજકોટ તા. ૧૩ : શ્રધ્ધા - અંધશ્રધ્ધાના આટાપાટા વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ભેંટસુડા ગામમાં એક પાડો અને ત્રીસ જેટલા બોકડાની બલી ચડાવી દેવાતા ભારત જન વિજ્ઞાન જાથાએ આ કિસ્સામાં જવાદારો સામે પગલા ભરવા મુખ્યમંત્રી સહીત રાજયના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી છે.

જાથાની યાદી મુજબ ભેંટવડામાં પશુબલી ચડવાની બાતમી મળતા જાથાએ તુરંત ડમી માણસ ભેંટસુડા ગામમાં મોકલી દીધો હતો. જયાંથી બધી વિગતો મળતી રહી હતી. આખી રાત માતાજીના ભજન કિર્તન થશે અને ડાકલા વાગશે. પશુઓની બલી ચડશે. તેવી વાતની ખરાઇ થઇ એટલે જાથાએ તુરંત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. જેના આધારે પોલીસ વાન સાથે બે કર્મચારી ઘટના સ્થળે જઇ આવ્યા પણ હતા. પરંતુ તેમના પાછા વળી ગયા પછી મોડે સુધી બધો કાર્યક્રમ ચાલુ જ રહ્યો હતો.

અંતે રાત્રે પશુઓની એક પછી એક બલી ચડાવી દેવામાં આવી. માતાજીના મઢમાં આ બધુ થયુ. પ્રસાદી લેવા રાત્રીના ધીરે ધીરે ૪ થી પ હજાર લોકોની મેદની પણ એકત્ર થયાની માહીતી જાથાના ડમી માણસે આપી હતી. પરંતુ અટકાવી ન શકવાનો અફસોસ જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ વ્યકત કરતા જણાવેલ છે કે અમારે છઠીયારડા દેહત્યાગની જાહેરાત કરનાર મહંત સાસમે ગુન્હો દાખલ કરવા મહેસાણા એસ.પી.ને રૂબરૂ મળવા જવાનું હોવાથી ભેંટસુડા જઇ શકાયુ નહોતુ.

પરંતુ પોલીસને જાણ કરવા છતા આ બલી અટકાવી નહીં શકાઇ હોવાનો રંજ તેઓએ યાદીના અંતમાં વ્યકત કર્યો છે. આમાં જવાબદાર સૌ સામે પગલા ભરવા તેઓએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ગૃહસચિવ, પોલીસ મહાનિર્દેશકને રજુઆત કરી છે.

(12:52 pm IST)