સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th April 2021

બાબરા તાલુકાના ખંભાળા-કરીયાણા માર્ગ પર પાંચ કરોડના ખર્ચે નિર્મિત બ્રિજનું વિરજીભાઇ ઠુંમરના હસ્તે લોકાર્પણ

રાજ્ય સરકારમાં પાંચ કરોડનો પુલ મંજુર કરાવી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી લોકાર્પણ થતા રાહદારીઓમાં રાહતની લાગણી પ્રસરી

બાબરા તા. ૧૩ : બાબરા તાલુકાના કરીયાણા -ખંભાળા માર્ગ પર પાંચ કરોડના ખર્ચે બ્રિજ મંજુર કરાવી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરાવી ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે મર્યાદિત કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં બ્રિજનું લોકાર્પણ કરતા અહીં ગામના સ્થાનિક તેમજ રાહદારીઓમાં રાહતની લાગણી પ્રસરી ગઈ હતી.

 બાબરા તાલુકાના કરીયાણા ખંભાળા માર્ગ પર મોટો પુલ બનાવવાની ખુબજ જરૂરીયાત હતી અહીંના કરીયાણા ગામના લોકોને આગેવાનો દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરને રજુઆત કરતા ધારાસભ્ય દ્વારા રાજય સરકારમાં પાંચ કરોડના ખર્ચે આ પુલ ૬ માસ પેલા મંજૂર કરાવી તેની ગુણવત્તા યુકત કામગીરી શરૂ કરાવી હતી અત્રે ઉલ્લેખનીય છે અહીં કરીયાણા ગામમાં આવેલ ડેમનું પાણી ઉપરવાસમાંથી આવતા અહીં પાણી ભરાતા માર્ગ બેટમાં ફેરવાઈ જતો હતો અને લોકોની અવર જવર બંધ થઇ જતી જેના કારણે લોકોને ભારોભાર મુશ્કેલીઓ પડતી હતી.

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે પરિસ્થિતિની ગંભીરતા અને લોકોની માંગણીને ધ્યાનમાં રાખી ત્વરિત રાજય સરકારમાં રજુઆત કરી અહીં પાંચ કરોડના ખર્ચે પુલ મંજુર કરાવ્યો હતો જેનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ વહાણી,તાલુકા કોંગ્રેસના પ્રમુખ જશમતભાઈ ચોવટિયા સહિત સ્થાનિક ગામમાં અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:44 am IST)