સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th April 2021

વાંકાનેરમાં કોરોનાથી ૭ ના મોતઃ સ્‍વૈચ્‍છીક લોકડાઉનનો વ્‍યાપ વધ્‍યો

મહામારીના કેસ વધતા લોકોમાં ભારે ચિંતાઃ નિવૃત શિક્ષક સહીત દર્દીઓનો ભોગ લેવાયો

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા., ૧૩: વાંકાનેરમાં ગઇકાલે ૪ વ્‍યકિતના કોરોનાથી મૃત્‍યુ બાદ આજે વધુ ૩ ના મોત થતા કુલ ૭નો ભોગ લેવાયો છે.

વાંકાનેરમાં વિતેલા વર્ષની સરખામણીએ હાલ કોરોનાની આક્રમકતા વિશેષ જોવા મળી રહી છે. ખાનગી-સરકારી દવાખાનાઓમાં દર્દીઓનું પ્રમાણ અને માંદગીથી થતા ટપોટપ મૃત્‍યુઓની ઘટનાઓ આ સત્‍યને ઉજાગર કરી રહયા છે.

માર્કેટીંગ યાર્ડ આગામી ૧૮/૪ સુધી બંધ કરી દેવામાં આવ્‍યું છે. ત્‍યાર બાદ વાંકાનેર બીયારણ-એગ્રો બીજ તથા ખેતી વિષયક દવાઓના એસોસીએશને સ્‍વૈચ્‍છીક બંધ જાહેર કરી અડધો દિવસ બંધની જાહેરાત કરી તેનો સજ્જડ અમલ પણ જોવા મળી રહયો છે. જયારે ગઇકાલથી વાંકાનેર કરીયાણા એસો.દ્વારા પણ બપોર બાદ સ્‍વૈચ્‍છીક બંધનો નિર્ણય લઇ તેનો અમલ શરૂ કરી દીધો છે. શહેરમાં અન્‍ય એસોસીએશન દ્વારા પણ હવે સ્‍વયંભુ બંધની જાહેરાતો થવાના સંકેતો મળી રહયા છે. ત્‍યારે વાંકાનેર ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કોરોનાએ જબ્‍બર કહેર શરૂ કર્યા હોવાના મળતા અહેવાલોને પગલે શહેરમાં ગ્રામ્‍ય આધારીત ઘરાકીમાં પણ કોરોનાનો ઓછાયો જોવા મળી રહયો છે.

વાંકાનેરના કસ્‍બા કબ્રસ્‍તાનની વિગત મુજબ ગઇકાલે બે મહીલા અને એક પુરૂષની અંતિમવિધિ થઇ હતી. જે મૃત્‍યુ કોરોનાને કારણે થયા હોઇ ત્રણેય મર્હુમોની બેઠી ઝીયારત કબ્રસ્‍તાને જ આટોપાઇ હતી. જયારે આજે વહેલી સવારે એક નિવૃત શિક્ષક અનવરભાઇ માસ્‍તરનું લક્ષ્મીપરા ખાતે અવસાન થયું છે.

(11:30 am IST)