સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th April 2021

મુખ્યમંત્રી - ના.મુખ્યમંત્રી કચ્છમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ છે : મુલાકાત લ્યો

ઇન્જેકશન, વેન્ટિલેટર, ઓકિસજનની અછત, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ તંત્ર, પદાધિકારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે બેઠક ગોઠવવા કરી અપીલ : રાજ્યમંત્રી વાસણ આહિર અને સાંસદ વિનોદ ચાવડાને પણ પાઠવી પત્રની નકલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૩ : કચ્છ જિલ્લામાં કોરોના બિમારીની પરિસ્થિતિ દિવસે દિવસે વિકટ બનતી જાય છે ત્યારે ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નિતીનભાઈ પટેલને સુરત અને રાજકોટની જેમ જ કચ્છ જિલ્લાની મુલાકાત લઈ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, સ્વૈરછીક સંસ્થાના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરી કોરોનાની ગંભીર પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે શ્રી તારાચંદભાઈ છેડાએ વિનંતી કરી છે.

શ્રી છેડાએ વિનંતી પત્રમાં કચ્છ જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટે રેમિડીમીસીવીયર ઈન્જેકશન, વેલન્ટીલેટર, ઓકિસજન વિગેરેની ખુબ જ અછત ઉભી થઈ છે. ત્યારે આ બાબતે બંને મહાનુભાવોને સ્થાનિકે આવી વહેલામાં વહેલી તકે પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ થાય અને મોતના મુખમાં ધકેલાતા દર્દીઓને નવજીવન મળે તેવી રજુઆત કરતા શ્રી છેડાએ જણાવ્યું હતું કે, હવે આ પરિસ્થિતિમાં કચ્છના વહિવટીતંત્રના અથાક પ્રયત્નો છતાં પરિસ્થિતિ હાથ ઉપર રહી નથી. ત્યારે તમારે બંને મહાનુભાવોએ તાત્કાલિક કચ્છની મુલાકાત લઈ બેઠક ગોઠવી અને કોરાના બિમારી સામેના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે નમ્ર વિનંતી કરી છે.

કચ્છીમંત્રી શ્રી વાસણભાઈ આહિરને પણ શ્રી તારાચંદભાઈ છેડાએ આ પત્રની નકલ મોકલી આ પ્રશ્ન બાબતે આગામી બુધવારે કેબિનેટની મિટીંગમાં ચર્ચા કરી અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે. ઉપરાંત કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને પણ શ્રી છેડાએ પત્રની નકલ મોકલી આ પ્રશ્ન બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે.

(10:35 am IST)