સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th April 2021

કોરોના મહામારી વચ્ચે તાલુકા પંચાયતના બે સદસ્ય, નિવૃત પોલીસકર્મી અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીનું નિધન

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નાથાભાઇ ડાભી, હળવદ તાલુકા પંચાયતના રણછોડગઢના ભાજપના મહિલા સદસ્યએ સારવારમાં દમ તોડ્યો

મોરબી : મોરબીમાં કોરોનાના હાહાકાર વચ્ચે મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, મોરબીના નિવૃત પોલીસ કર્મચારી, હળવદ તાલુકા પંચાયતના રણછોડગઢ બેઠકના ભાજપના મહિલા સદસ્ય અને મોરબી પાણી પુરવઠા કચેરીના ઇજનેરનું કોરોના મહામારી વચ્ચે નિધન થતા તમામના પરિવારજનો અને સ્નેહીજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 મોરબી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગી અગ્રણી નાથાભાઇ ડાભીનું કોરોના મહામારી વચ્ચે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એ જ મોરબીના નિવૃત્ત પોલીસ કર્મચારી મહિપતસિંહ છનુભા જાડેજા કોરોના પોઝિટિવ આવ્યા બાદ જામનગર સારવારમાં જામનગર ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

  આ ઉપરાંત હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા અને તાજેતરમાં જ રણછોડગઢ તાલુકા પંચાયતની સીટ પર ભાજપ તરફથી ચૂંટણી લડી વિજેતા બનેલા નેહાબેન સિહોરા કોરોનાથી સંક્રમિત થતા તેઓને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આજે તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે નેહાબેનના મૃત્યુના સમાચારને પગલે રણછોડગઢ ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

દરમિયાન મોરબી પાણી પુરવઠા બોર્ડ કચેરીમાં કાર્ય પાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા પી.એ.સોલંકીનું પણ કોરોના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

(8:48 pm IST)