સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th April 2019

દેશમાં પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઇલ લીપીમાં વોટર સ્લીપઃ ભાવનગરનું યોગદાન

પ્રજ્ઞાચક્ષુ મતદારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા એસકોર્ટ પુરૂ પાડવા પણ ચૂંટણી પંચનો નિર્ણય - માહિતી આપતા અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘના પ્રમુખ

ભાવનગર, તા.૧૩: આગામી લોકસભા ચૂંટણીમાં પ્રજ્ઞાચક્ષુ મતદારોને ખાસ પ્રકારની બ્રેઇલ લીપીમાં વોટર સ્લીપ આપવામાં આવશે જે ભાવનગરમાં તૈયાર થઈ છે. પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે દેશભરમાં આ પ્રથમ પ્રયોગ છે તેમ જાણવા મળ્યું છે. પ્રજ્ઞાચક્ષુ મતદારો મતદાન કરી શકે અને સાથે ગુપ્તતા જળવાઈ રહે તેવું ખાસ આયોજન ચૂંટણી પંચે કર્યું છે જેને આવકાર મળી રહ્યો છે.

લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં કોઈ પણ નાગરિક પોતાના મતદાન અધિકારથી વંચિત ન રહી જાય એ માટે ચૂંટણી પંચ પ્રયત્નશીલ હોય છે. આથી દેશમાં યોજાવા જઇ રહેલી ૧૭મી લોકસભા ચૂંટણીથી લાખો પ્રજ્ઞાચક્ષુ મતદારોને ધ્યાને લઇ બહુ મોટો નિર્ણય કરાયો છે. લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯માં પ્રજ્ઞાચક્ષુ મતદારોને ધ્યાને લઇ બ્રેઇલ લીપીમાં મતદાન સ્લીપ તૈયાર કરવામાં આવી છે. અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંદ્યના પ્રમુખ લાભુભાઈ સોનાણીએ જણાવ્યું કે, દેશભરમાં આ પ્રથમ પ્રયોગ છે જેમાં ભાવનગરનું યોગદાન છે તે વિશેષ ગૌરવની વાત છે. ચૂંટણી પંચના પ્રયાસોને આવકારી તેમણે ઉમેર્યું કે ન્યાય મળ્યો છે.

કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગર ખાતે ચાલતા એલ.આઈ.સી ગોલ્ડન જયૂબીલી ફાઉન્ડેશન બ્રેઇલ પ્રેસમાં રાજયની ૫૨ વિધાનસભા બેઠકના પ્રજ્ઞાચક્ષુ ૭૭૭૬ મતદારોની બ્રેઇલ લીપીમાં વોટર સ્લીપ તૈયાર કરી ચૂંટણીપંચને સુપ્રત કરાઈ છે. લાભુભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે, પ્રજ્ઞાચક્ષુ મતદારોને ચૂંટણીના દિવસે મતદાન મથક સુધી લાવવા લઇ જવા એસકોર્ટ પૂરું પાડવા પણ ચૂંટણી પંચે યોજના બનાવી છે. આ માટે અગાઉથી ફોર્મ ભરવાનું રહેશે.

કોઈની સહાય વગર પ્રજ્ઞાચક્ષુઓ મતદાન કરી શકશે અને સંપૂર્ણ ગુપ્તતા જળવાશે

પ્રજ્ઞાચક્ષુ મતદારોને તેમની ભાષા બ્રેઇલ લીપીમાં મતદાન સ્લીપ મળવાથી હવે તેઓ સહાયકની મદદ વગર જ પોતાનો ઉમેદવાર પસંદ કરી એઇવીએમમાં બટન દબાવી પોતાનો મત આપી શકશે. આથી ગુપ્તતા પણ જળવાશે. વોટર સ્લીપ ઉપરાંત ઇવીએમ પર પણ બ્રેઇલ લીપીમાં માહિતી અંકિત હશે. આથી પ્રજ્ઞાચક્ષુઓ માટે સરળતા રહેશે તેમ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંદ્યના પ્રમુખ લાભુભાઈ સોનાંણી જણાવ્યું હતું.

(11:45 am IST)