સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th March 2019

મોરબીના પીપળી પાસે મ્હો છૂંદી - પત્થર સાથે બાંધેલી યુવાનની લાશ મળી : હત્યાની શંકા

ઓળખ ન થાય તે માટે મ્હો પણ છૂંદી નાંખ્યાનું તારણ : ફોરેન્સિક પી.એમ. રીપોર્ટ તરફ મીટ

મોરબી તા. ૧૩ : મોરબીના પીપળી ગામ પાસે કુવામાંથી અજાણ્યા યુવાનનું મ્હો છુંદી પત્થર સાથે બાંધેલી લાશ મળી આવતા ચકચાર જાગી છે. આ યુવાનની હત્યા થયાની પ્રબળ શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગતો મુજબ મોરબીના પીપળી ગામના કુવામાં અંદાજે ૩૫ વર્ષના યુવાનના મૃતદેહ અંગે માહિતી મળતા મોરબી ફાયર ટીમના ડી ડી જાડેજા, વિનય ભટ્ટ, કુલદીપસિંહ રાણા, પ્રીતેશ નગવાડીયા, પેથાભાઈ મોરવાડિયા, રતિલાલ ચૌહાણ, ભાવેશ રાઠોડ, અને કાર્તિક ભટ્ટ સહિતની ટીમે સ્થળ પર પહોંચીને મૃતદેહ બહાર કાઢયો હતો મૃતદેહ બહાર કાઢ્યા બાદ ફાયરની ટીમ પણ ચોકી હતી કારણકે યુવાનનું મોઢું છુંદી નાખવામાં આવ્યું હતું અને ગોદડું વીંટી પથ્થર સાથે બાંધી યુવાનના મૃતદેહને કુવામાં ધકેલી દેવાયો હોય હત્યા થયાની પ્રબળ શંકા છે.

બનાવની જાણ થતા ડીવાયએસપી બન્નો જોશી, તાલુકા પીએસઆઈ એન જે રાણા સહિતની ટીમ દોડી ગઈ હતી અને બનાવની તપાસ ચલાવી રહ્યા છે તેમજ મૃતકની ઓળખ થઇ ના હોય જેની ઓળખ મેળવવા અને હત્યાની પ્રબળ આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ મોતનું સાચું કારણ જાણવા કોહવાયેલ મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો છે. યુવાનનું મ્હો છુંદી પત્થર બાંધેલ હાલતમાં લાશ કુવામાંથી મળતા હત્યાની શંકાએ તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ફોરેન્સીક પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે.

(11:44 am IST)