સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

જાતિય ગુન્હાઓ સામે રક્ષણ આપતા કાયદા અંગે કલેકટરે વિસ્તૃત માહિતી આપી

દેવભૂમિ દ્વારકામાં બાળસુરક્ષા અંગે સેમિનાર થયો

દેવભૂમિ દ્વારકા તા. ૧૩ : દેવભૂમિ દ્વારકામાં ખંભાળીયા કલ્યાણ હોટલ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દેવભૂમિ દ્વારકા દ્વારા 'બાળ સુરક્ષા યોજના અને કાયદા' અંગેનો વર્કશોપ કલેકટર જે.આર. ડોડીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

કલેકટરશ્રી ડોડીયાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે સરકાર દ્વારા બાળકોના વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને પ્રગતિ માટે અનેક જુદી જુદી યોજનાઓ ચાલુ છે. બાળકો દ્વારા જો કોઇ ગુન્હો થયો હોય તો તેની શિક્ષા એ રીતે અપાય કે તેની પ્રગતિ અને તેનો વિકાસ ન રૃંધાય. આપણે બાળકને જેટલો પ્રેમ અને સકારાત્મક વિચારો આપીશું એટલું તે મોટો થઇને સમાજને આપશે.

આ તકે તાલીમકાર અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ભાવનગર શ્રી પ્રજાપતિએ જુવેનાઇલ જસ્ટીસ એકટ-૨૦૧૫ અને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતો અધિનિયમ -૨૦૧૨ અંગેની વિસ્તૃત માહિતી આપી બાળકોના રક્ષણ, શિક્ષણ તથા દતક લેવા બાબતેના કાયદાની સમજ આપી હતી તથા બાળકોના ગુન્હા અને તેની સજા અંગેની જોગવાઇઓ અંગેની માહિતી આપી હતી.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મોરીએ બાળ સુરક્ષાની યોજનાઓ અને કાયદાઓ અંગેની સમજ આપી હતી. તેમણે જણાવ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૧૧૮ અનાથ બાળકો શોધી કાઢયા છે અને જેને નાણાંકીય સહાય આપવાની જોગવાઇ પણ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળ અદાલત બાળ સમિતીની રચના પણ થોડા સમયમાં કરવામાં આવશે તેમ જણાવી બાળ સુરક્ષા એકમ દ્વારા કરવામાં આવતી કામગીરીની માહિતી આપી હતી.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પ્રકાશ ખેરાલાએ સંકલિત બાળ સુરક્ષા યોજનાનો પરિચય આપ્યો હતો. તેમજ ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ દ્વારા બાળકોની યોજનાઓ અંગેની માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે પ્રશ્નોતરી રાખવામાં આવી હતી જેમાં કાયદાના નિષ્ણાંત દ્વારા ઉતરો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સમાજ સુરક્ષા તથા બાળ સુરક્ષાના કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સીવીલ જજશ્રી ગુપ્તા, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વાઢેર, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફીસરશ્રી કરમુર, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી સોનલબેન, તેમજ આરોગ્ય, શિક્ષણ, સમાજ કલ્યાણ, પોલીસ, રેલ્વે, આઇ.સી.ડી.એસ. વગેરે લગત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૧.૨૦)

(1:02 pm IST)