સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

...એકાદ કલાકથી દરવાજો ન ખૂલ્યો'ને જોયું તો વ્હાલસોયી દિકરી લટકતી'તીઃ માતા હતપ્રભ

પરિક્ષાના માહોલ વચ્ચેજ શિક્ષિકાના આપઘાતથી અરેરાટી : હળવદના વસંત પાર્કનો બનાવઃ ૨૨ વર્ષની હિરલ ગોઠીને ૬ મહિના પહેલા જ નોકરી મળી'તી

વઢવાણ તા.૧૩: પરિક્ષાના માહોલ વચ્ચે હળવદ પંથકમાં શિક્ષિકા યુવતિએ કોઇ અગમ્ય કારણસર ગળાટુપો ખાઇ જીવનલીલા સંકેલી લેતા તેના પરિવારજનોમાં કલ્પાંત પ્રસરી જવા પામ્યો છે.

વિગત મુજબ મુળ સરાની અને હાલ હળવદની વસંતપાર્ક સોસાયટીમાં પરિવાર સાથે ભાડે રહેતી હિરલ ગોવિંદભાઇ ગોઠી (ઉ.વ.૨૨)એ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ સગાસંબંધીઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓને થતા સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા.

જાણવા મળ્યાનુસાર છેલ્લા ૬ મહિના પહેલાં જ નોકરી મળ્યા બાદ જૂના ઘાટીલામાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હિરલબેને નિત્ય ક્રમ મુજબ ગઇકાલે સવારે ૯ વાગ્યાના અરસામાં ફરજ પર જવા માટે રૂમનો દરવાજો બંધ કરી નાખ્યો હતો, એકાદ કલાક વિત્યા બાદ પણ બહાર નહી આવતા તેણીની માતાએ જોયુ તો પુત્રી ગળે ટૂપો ખાધેલી હાલતમાં લટકતી હતી. આ ઘટનાથી પરિવારજનો  અને સાથી શિક્ષકોમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.

આ અંગે હળવદ પોલીસ ટાઉનબીટના જમાદાર કેશુભાઇ બાવળીયા, વનરાજસિંહ,ગંભીરસિંહ, સહિતનાએ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઇ હળવદની સરકારી હોસ્પિટલે પીએમ માટે મોકલી આપ્યો હતો. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ આગળ ધપાવી છે.(૧.૯)

(1:02 pm IST)