સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

રાજકોટના કોન્ટ્રાકટર સહિત ૩ શખ્સો દ્વારા ઇંટોના રૂ. ૪.૨૦ લાખ ન ચુકવીને છેતરપીંડી

જામનગરના લતીપુરના રમેશ વાઘેલાની ફરિયાદ

જામનગર તા. ૧૩ : ધ્રોલ તાલુકાના લતીપુર રોડ પર આવેલ ચમ ઉદ્યોગની બાજુમાં રહેતા રમેશ ટપુભાઈ વાઘેલા ઉ.વ. પ૦ એ ધ્રોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, આજથી આશરે સાતેક મહિના પહેલા આ કામેના આરોપીઓ ઘનશ્યામભાઈ આર. પટેલ રહે. સ્વામીનારાયણ કન્સ્ટ્રકશન રાજકોટવાળા અને ભીખાભાઈ મૈયાભાઈ ટોયટા તેમજ પ્રવિણભાઈ વાલજીભાઈ વાઘેલાએ એકબીજાને મદદગારી કરી ફરીયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી ૧,૪પ,૦૦૦ ઇંટો કિંમત રૂ. ૪,ર૦,પ૦૦ ની લઈ આજદીન સુધી તે રૂપિયા નહીં ચુકવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી ગુન્હો કરેલ છે.

મોડપરના મંદિરમાંથી રૂ. ૪૮ હજારની મત્તા ચોરાઇ

જામનગર તાલુકાના મોડપર ગામના સરપંચ મહેન્દ્રસિંહ શીવુભા જાડેજાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, મોડપર ગામે આવેલ મેલડી મા ના મંદિરમાં કોઈ અજાણ્યા ઈસમે ગેરકાયદે પ્રવેશી કબાટનું તાડુ તોડી એલ.સી.ડી. કિંમત રૂ. ૧૦ હજાર, ડીવીડી કિંમત રૂ. ૭ હજાર, દાનપેટીનું તાડુ તોડી આશરે રૂ. સાત હજાર તથા ચાંદીનો જુમખો નાના મોટા કુલ રપ કિંમત રૂ. ૧પ હજાર તથા યુપીએસ કિંમત રૂ. ૯ હજાર વગેરે મળી કુલ રૂ. ૪૮૯૦૦ ની મતાની ચોરી કરી ગુન્હો કરેલ છે.

મોબાઇલની દુકાનમાંથી રૂ. ૧૪.૧૭ લાખના મોબાઇલ ફોન ચોરાયા

અહીં વાલ્કેશ્વરીનગરમાં રહેતા અને લીમડા લાઈનમાં પ્લીસ પોઈન્ટ ટેલીશોપ નામની દુકાન ચલાવતા રાજેશભાઈ ચેલારામ હસવાણી જાતે સીંધી લુવાણા ઉ.વ. ૪૮ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, કોઈ ચોર ઈસમે ફરીયાદીની દુકાનના મેઈન શટરના બન્ને સાઈડ લોકવાળી જગ્યાએ લોખંડના આલ્ડ્રાફ તોડી નાખી શટર ખોલી દુકાનમાં પ્રવેશી દુકાનમાંથી અલગ અલગ કંપનીના કુલ ૮૪ મોબાઈલ ફોન તથા ૧ હજારની રોકડ રકમ મળી કુલ રૂ. ૧૪,૧૭,૮૭૦ નો મુદામાલ ચોરી કરી લઈ ગયેલ છે.

આઠમાં માળેથી નીચે પડી ગયેલ જુહી મહેતાનું મોત

અહીં ડી.કે.વી. કોલેજ સામે આવેલ આરામ હોટલની બાજુમાં સિઘ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં બ્લોક નં. ૩૦ર માં રહેતા રાજીવભાઈ રમણીકભાઈ મહેતા ઉ.વ. પપ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, મરણ જનાર જુહી રાજીવભાઈ મહેતા ઉ.વ. ર૦ એપાર્ટમેન્ટના આઠમાં માળેથી કોઈપણ કારણસર પડી ગયેલ જેને સારવારમાં હોસ્પિટલે લઈ જતાં મરણ ગયેલ છે.

બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલ આધેડનું મોત

ડો. તુસાર પટેલે કાલાવડ પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા. ૧ ના રોજ ફગાસ ગામના પાટીયા પાસે આ કામે મરણ જનાર જયંતીભાઈ જીવરાજભાઈ દોંગા ઉ.વ. પ૭ વાાળ પોતાનું મોટર સાયકલ લઈ જતા હતા ત્યારે બાઈક સ્લીપ થતાં સારવારમાં રાજકોટ હોસ્પિટલે દાખલ કરવામાં આવેલ જયા તેમનું સારવાર બાદ તા. ૧ર ના રોજ મૃત્યુ નિપજેલ છે.

દરેડમાં બે બોટલ દારૂ સાથે સ્કુટર ચાલક ઝડપાયો

જામનગર તાલુકાના દરેડ ગામે આવેલ ગૌશાળા સર્કલ પાસેથી પોલીસે  ક્રિપાલસિંહ બનેસંગ કંચવા ઉ.વ. રપ ને જી.જે.૧૦–સીએ–૭૮૮૪ માં ગેરકાયદે પાસ પરમીટ વગર ઇગ્લીશદારૂની બે બોટલો કિંમત રૂ. ૧૦૦૦ સાથે કુલ રૂ. ૩૬ હજારની મતા સાથે ઝડપી પાડયો હતો.

નવાગામ ઘેડમાંથી આંકડાશાસ્ત્રી ઝડપાયો

અહીં હનુમાન ચોક નવાનગર ઘેડમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રહેલ તુસાર ચુનીલાલ કોળી ઉ.વ. રપ ને પોલીસે રોકડ રૂ. ૩૯પ૦ સાથે ઝડપી પાડયો હતો.

શાક માર્કેટમાંથી મોબાઇલ ચોરાયો

ધુંવાવ ગામે રહેતા નીતેશ કરશનભાઈ પરમારે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, શાકમાર્કેટમાંથી ફરીયાદીએ પોતાના શર્ટના ઉપલા ખીસ્સામાં રાખેલ સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ. ૬ હજારનો રાખેલ જે કોઈ ચોર ઈસમે તેમના ખીસ્સામાંથી કાઢી ચોરી કરી લઈ ગયેલ છે.

(12:59 pm IST)