સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

કચ્છની મુખ્ય સરકારી હોસ્પીટલ અદાણી - જી. કે.જનરલમાં પેરાસીટામોલ સહિત જરૂરી દવાઓ જ નથીઃ કોંગી આગેવાનની ઉગ્ર રજૂઆત

જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રવિન્દ્ર ત્રવાદીએ મીડિયાની હાજરીમાં કરેલા ઘટસ્ફોટનાં પગલે હોસ્પીટલ અને અદાણી ગ્રુપ હરકતમાં

ભુજ તા. ૧૩ :.. વડાપ્રધાન રાહત ભંડોળમાંથી સવાસો કરોડને ખર્ચે બનેલી અને દેશનાં નંબર વન ઔદ્યોગિક ગ્રુપ અદાણી મેડીકલ કોલેજ (ગેઇમ્સ) દ્વારા ચલાવાતી હોસ્પીટલમાં દર્દીઓને ડોકટરો દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલી દવા 'સ્ટોક નથી' એવું કહી ને ન અપાય અને બહારથી લઇ લેવા ફરજ પડાય એ હકિકત માનવામાં ન આવે એવા કડવા સત્ય સમાન છે.

ભુજ મીડીયાનાં પત્રકારોને સાથે રાખી ને કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રવિન્દ્ર ત્રવાદીએ કરેલઆ ઘટસ્ફોટ ખળભળાટ મચાવી દીધો છે. જી. કે. જનરલ હોસ્પીટલ અને અદાણી ગ્રુપ દ્વારા ચલાવાતા સરકાર સંચાલીત દવાનાં મેડીકલ સ્ટોરમાં મીડીયાની હાજરીમાં કોંગી અગ્રણી રવિન્દ્ર ત્રવાડીની  ઉગ્ર રજુઆતને પગલે અદાણી ગ્રુપ દ્વારા સંચાલિત આ સરકારી હોસ્પીટલના મેડીકલ સુપ્રી.ડો.ભાદરકા એ સ્વીકાર્યુ હતુ કે દવાનો સ્ટોક ખલાસ થઇ ગયો છે.

દર્દીઓની કફોડી પરિસ્થિતિ અને દવા નહી ખરીદી શકવાની લાચારી નિહાળી ને વ્યથિત થયેલા કોંગ્રેસી અગ્રણી રવિન્દ્ર ત્રવાડીએ સામાજિક જવાબદારીના ભાગરૂપે અદાણી ગ્રુપના ઉચ્ચ વર્તુળોને આ સંબંધે વાકેફ કર્યા તો તેઓ પણ ચૌકી ઉઠયા હતા.ગરીબ દર્દીઓ અને જરૂરિયાતમંદ મધ્યમ વર્ગીય પરિવારો ન સારી આરોગ્ય વ્યવસ્થા પુરી પાડવાનો ઉદ્દેશ્ય અદાણી જુથને યાદ અપાવીને રવિન્દ્ર ત્રવાડીએ રાજકીય તેમજ સામાજિક જાગૃતિ ભર્યુ કામ કરવાને પગલે હોસ્પીટલ અને અદાણી ગ્રુપના સત્તાવાળાઓએ દવાઓનો પુરતો જથ્થો શખવાની અને દર્દીઓને કોઇ મુશ્કેલી ન પડે તે જોવાની ખાત્રી આપી હતી.

(11:43 am IST)