સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

ભાદર નદીમાં રેતી ચોરીના વિડીયોગ્રાફી સહિતના પુરાવા છતા કાર્યવાહી નહીઃ લલિત વસોયા

વિધાનસભામાં સરકાર સામે આક્ષેપોનો મારો

રાજકોટ તા.૧૩ : કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ તો ભાદર નદીમાં રેતીની ચોરી થતી હોવાનો વિડીયો પુરાવા રૂપે વિધાનસભા ગૃહમાં રજુ કરવાની તૈયારી પણ દર્શાવી હતી.

ખાણ-ખનીજ વિભાગની માંગણીઓ પર સોમવારે ગૃહમાં ચર્ચા હાથ ધરાઇ હતી. આ મુદે ધારાસભ્ય લલિત વસોયાએ ગૃહમાં જણાવ્યું કે ભાદર નદીમાં રેતીની ચોરી થતી હોવાના વિડીયોગ્રાફી સહિતના પુરાવા મારી પાસે છે. મંજુરી આપો તો હું ગૃહમાં રજુ કરવા તૈયાર છુ. આ જ વિડીયો સહિતના પુરાવા મેં કલેકટર સહિતના અધિકારીઓને રૂબરૂમાં આપ્યા હતા. પરંતુ ખનીજમાફીયાઓ સાથે એટલી મીલિભગત ચાલે છે કે કલેકટરને મળ્યા બાદ માફિયાઓનો મારો ઉપર ફોન આવ્યો હતો કે અમારી વિરૂધ્ધ રજુઆતો કેમ કરો છો.

લલિતભાઇ વસોયાએ આક્ષેપ કર્યો હતો કે ભાદરમાંથી ૪૦ ટન રેતી ભરેલ ૮૦૦ ટ્રક રોજ આસપાસના માર્ગો પરથી પસાર થાય છે જેને કારણે રોડ પણ તુટી જાય છે.

(11:39 am IST)