સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

જૂનાગઢની જૂની સીવીલ હોસ્પિટલ બિલ્ડીંગમાં પથિકાશ્રમ બનાવવા માગણી

જુનાગઢ તા. ૧૩ :.. જૂનાગઢમાં મેડીકલ કોલેજ કાર્યરત થતાં આઝાદ ચોક ખાતે સીવીલ હોસ્પીટલને મજેવડી દરવાજા પાસે મેડીકલ કોલેજ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ હોય શહેર વચ્ચેની સીવીલ હોસ્પીટલની વિશાળ જગ્યા તાત્કાલીક ધોરણે પથીકાશ્રમમાં ફેરવવાની માંગણી જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ મહામંત્રી શ્રી જયેન્દ્રભાઇ જોબનપુત્રાએ કરેલ છે. જે માંગણી વ્યાજબી અને અતિ જરૂરી હોય બૌધિકો અને સામાન્ય જનતામાં આવકાર મળેલ છે.

તેમણે જણાવ્યું હતું કે શહેરની જૂની કલેકટર કચેરી, રંગમહેલ, ભંગાર બજારમાં દસ્તાવેજ ઓફીસ, મામલતદારશ્રીની કચેરી વાળો ડેલો આ ઇમારતો આજે તદન બંધ હાલતમાં છે તેવી જ હાલત આ સીવીલ હોસ્પીટલની વિશાળ જગ્યાની ન થાય તે જોવાની જવાબદારી પ્રજાનાં ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓની અને જાગૃત નાગરીકોની છે.

સાથો સાથ જૂની કોઇ કચેરી કે અન્ય કોઇ ઓફીસ ત્યાં ફેરવાય તેના બદલે જે અતિ આવશ્યક છે. તેવી પથીકાશ્રમની સુવિધા ઉપલબ્ધ થાય તે જરૂરી છે.

વિશેષ ગીરનાર રોપ-વે કાર્યરત થવાની છે, સિંહદર્શન ઇન્દ્રેશ્વર મહાદેવની જગ્યા પાસેથી શરૂ થવાનું છે. હાલ સંખ્યાબંધ પ્રવાસીઓ જૂનાગઢ ફરવા આવે છે અને તેમાં ભવિષ્યમાં નોંધપાત્ર વધારો થવાનો છે ત્યારે તેઓને સસ્તા ભાવે સલામતી ભર્યો ઉતારો મળે તે માંગ છે.

નવી સીવીલ હોસ્પીટલ ખાતે વિવિધ સુવિધા ઉપલબ્ધ હોય સારવાર માટે આવતા દર્દીઓના સગા-સંબંધીઓને ઉતારો મળે તે આશીર્વાદ રૂપ બની રહેશે.

પરીક્ષાઓ દેવા માટે આવતાં બહારગામના વિદ્યાર્થીઓને ગેસ્ટ હાઉસનાં મોંઘાદાટ ભાડા ચુકવવામાંથી છૂટકારો મળશે. અને રસ્તા ભાવે ઉતારાની સગવડતા પણ મળશે.

શહેરમાં હટાણું કરવા માટે એટલે કે બહારગામથી પ્રસંગોપાત પરીવાર સાથે ખરીદી કરવા આવનાર ગ્રાહકોને જાહેર રસ્તાઓ ઉપર વિશ્રામ લેવાની ફરજ પડે છે. અને પરિવાર સાથે હોય ટાઢ-તડકો કે વરસાદ દરમ્યાન તકલીફો સહન કરવી પડતી હોય છે જો પથીકાશ્રમ હોય તો શાંતિથી પરીવાર સાથે વિશ્રામ લઇ શકે તેવી જ રીતે બહારગામથી ખરીદ - વેંચાણ માટે આવતા નાના-મોટા વેપારીઓને પણ ઉતારાની નોંધપાત્ર સુવિધા આ પથીકાશ્રમને કારણે મળી શકે તેમ છે.

રાજકોટ-ભાવનગર ખાતે પથીકાશ્રમની સુવિધા ઉપલબ્ધ છે હવે જૂનાગઢ શહેરમાં બસ સ્ટેશન, અને રેલ્વે સ્ટેશનથી તદન નજીક એવી જૂનાગઢ શહેર મધ્યે આવેલ.

આ વિશાળ જગ્યામાં પથીકાશ્રમ બને તો બહારગામથી આવતા તમામ વર્ગના લોકોને પથીકાશ્રમ પહોંચવા રીક્ષા ભાડાના ખર્ચાઓ પણ કરવા નહી પડે.

ગીરનાર પર્વત હોય ટ્રેકીંગમાં યુવાનો - યુવતીઓ હોય તેઓને પણ યોગ્ય ઉતારાની સુવિધા પ્રાપ્ત થશે.

આ ઉપરાંત ખાનગી પ્રસંગો દરમ્યાન આવતા મહેમાનોને સાચવવા માટે આ પથીકાશ્રમનો ઉપયોગ થઇ શકે તેમ છે તો નાના ઘર કે નાની વાડીમાં પ્રસંગો ઉજવતા મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ માટે મહેમાનોનો ઉતારો પ્રસંગને દીપાવી જશે.

નીચલા દાતાર પાસે રોડ પહોળા કરવા રજૂઆત

ઉપલા દાતારની જગ્યાના મહંતશ્રી વિઠ્ઠલબાપુ ગુરૂશ્રી પટેલબાપુએ મ્યુનિ. કમિશ્નર શ્રી, મેયર શ્રી, જિલ્લા કલેકટર શ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીને રજૂઆતમાં નિચલા દાતારથી ડેમ સાઈટ નજીક ગેરકાયદે પેશકદમી દૂર કરી માર્ગને ૯ મીટર પહોળો કરવા બીજીવાર ભાગણી કરીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાનું આખરી અલ્ટીમેટમ આપેલ છે.

પટેલ કેળવણી મંડળના ખજાનચી પદે નિમણૂક

પટેલ કેળવણી મંડળના ખજાનચીની જગ્યા પર ઉદ્યોગપતિ અને સંસ્થાના પૂર્વ મંત્રી શ્રી તથા કારોબારી સભ્ય દિલીપભાઈ મોહનભાઈ મેઘપરાની સંસ્થાના પ્રમુખ - મેનેજીંગ ટ્રસ્ટી શ્રી મોહનભાઈ પટેલે નિમણૂંક આપી છે.

સિવિલ હોસ્પીટલની જગ્યામાં બગીચો બનાવવા રજૂઆત

સિવિલ હોસ્પીટલની જગ્યામાં મેદાન અથવા બગીચા બનાવવા શહેર કોંગ્રેસ મહામંત્રી પ્રવિણભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવેલ છે.

તાજેતરમાં મેડીકલ કોલેજ ચાલુ થઈ ગઈ છે. સિવિલ હોસ્પીટલને ત્યાં ફેરવવાની મોટાભાગની કામગીરી પુરી થઈ ગઈ છે. રાજ્ય સરકારે આ જગ્યા સીટીને વચ્ચોવચ આવેલી છે મોટા ભાગવીત વસ્ત આજુબાજુમાં આવેલી છે. લોકના આરોગ્ય અને બાળકોને રમવા માટે જૂના સીટીમાં કયાંય મેદાન નથી. લોક હીતમાં આ જગ્યા ઉપર બગીચો અને મેદાન બનાવવા માગણી ઉઠી હોવાનું રજૂઆતમાં જણાવેલ છે.

ત્રિમૂર્તિ હોસ્પીટલમાં નેત્રયજ્ઞ

શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ (રાજકોટ)ના સહયોગથી ભાવનાબેન ચીખલીયા ફાઉન્ડેશન-ત્રિમૂર્તિ હોસ્પીટલ-જૂનાગઢમાં નિઃશુલ્ક મોતીયાની તપાસ તથા ઓપરેશન. તા. ૧૬ના સવારે ૯.૩૦ થી બપોરે ૧૨.૦૦ કલાકે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

જરૂરીયાતમંદ દર્દીઓને ઓપરેશન કરવાનું થશે તેમને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા યાદીમાં જણાવાયુ છે.

(7:10 pm IST)