સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે સેવા પ્રદાન કરનાર વિવિધ ક્ષેત્રના મહિલાઓનું સન્માન

મોરબી, તા. ૧૩ :. એન.જી.ઓ. સરકારની મહિલા સશકિતકરણની અને મહિલા સ્વાવલંબી માટેની જે યોજનાઓ છે. જેને દરેક જરૂરીયાત મહિલા સુધી પહોંચાડવાનું સેવાકીય કાર્ય કરી સરકારના આ કાર્યમાં સહયોગી બને તેમ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે 'બેટી બચાવો બેટી પઢાવો'ના સંકલ્પ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અને મોરબી જિલ્લા કક્ષાના યોજાયેલ મહિલા સંમેલનમાં સ્વર્ણીમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજયસિંહ જાડેજાએ જણાવ્યુ હતું.

આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતુ કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરીકે જવાબદારી સંભાળી તરત જ ગુજરાતમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગની અલગ રચના કરી મહિલા સશકિતકરણનો પ્રારંભ કરાવ્યો હતો. સમાજ અને રાજ્યના વિકાસને સાચી દિશામાં લઈ જવો હશે તો કન્યા કેળવણી સાથે તે કુપોષણથી ન પીડાય તેને ધ્યાનમાં રાખી સંપૂર્ણ મફત કન્યા શિક્ષણ, મહિલા સુરક્ષા અને મહિલાને રોજગારી ક્ષેત્રે સ્વાવલંબી બનાવવાના અનેકવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે. પુરૂષ અને મહિલા જન્મ દરમાં વધુ વિસંગતતા ન ઉભી થાય તે માટે સ્ત્રી જન્મ દર રેસીયો ઉંચો લઈ જવાના સફળ પ્રયાસો હાથ ધરાયા છે. જેના આજે સારા પરિણામો મળ્યા છે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યુ હતુ કે ફકત દિકરાનો જ નહિ પણ દિકરીને પણ જન્મવાનો એટલો જ અધિકાર છે, માટે દિકરીના જન્મને ઉમંગભેર વધાવવા સાથે દરેક દિકરી પુરતુ શિક્ષણ મેળવે તે માટે સંકલ્પબદ્ધ બનવા જણાવ્યુ હતુ. કાર્યક્રમમાં અધ્યક્ષ આઈ.કે. જાડેજા તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે મમતા કાર્ડનું વિમોચન કરવામાં આવ્યુ હતું.

મહિલા સંમેલનમાં આરોગ્ય, શિક્ષણ, રમતગમત, પરિવહન, કૃષિ અને સામાજીક ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું તથા ૧૦૨ વર્ષના વૃદ્ધ મહિલા મણીબેનનું શાલ ઓઢાડી સ્મૃતિચિન્હ અને પ્રશસ્તીપત્ર અર્પણ કરી સન્માન કરાયુ હતું. જ્યારે મોરબી શહેરની ૧૦ સખી મંડળના સંઘને રૂ. ૫૦ હજારનો ચેક રિવોલ્વીંગ ફંડ તરીકે અર્પણ કરાયો હતો.

(11:36 am IST)