સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

પોરબંદરઃ ચકચારી ખુનકેસના ત્રણ આરોપીઓને શંકાનો લાભ

પોરબંદર તા.૧૩: પોરબંદર નજીકના પરાજેવા ખાપટ ગામે અંદાજે ૧ વર્ષ પહેલા પુના દુદાભાઇનું ખુન થયેલુ હતુ. અને તે સંબંધે પોલીસ દ્વારા ભાવેશ મેરૂભાઇ કેશવાલા, જલ્પેશ રવજીભાઇ જાદવ તથા વંદન દિલીપભાઇ કોેટેચાની પોલીસ દ્વારા ધરપકડ કરેલી હતી. અને ત્યારબાદ આજદીવસ સુધી ત્રણેય આરોપીઓ જેલમાં હતા. અને કેસની ગંભીરતા ધ્યાને લઇ કોર્ટ દ્વારા જામીન આપેલા ન હતા. આ કેસ ચાલી જતા કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો હતો.

બનાવની વિગત મુજબ તા.૧૯/૦૧/૨૦૧૭ના રોજ પ્રવિણ ગોવિંદભાઇ સાથે દારૂ લાવવા બાબતે બોલાચાલી થતાં અને તેને ગોતવા માટે ત્રણેય આરોપીઓ ખાપટ ગયેલા હોય અને ત્યાં પ્રવિણ ગોવિંદભાઇને ગોતતા હોય તે દરમ્યાન ગુજરી જનાર પુના દુદાભાઇ સાથે માથાકુટ થતાં અને બોલાચાલી થતાં ત્રણેય આરોપીઓ દ્વારા છરીઓ મારીને પુના દુદાનું ખુન કરી નાખવા સંબંધે તેમજ તેજાભાઇ ને પણ છરી મારેલી હોવા સંબંધે તેમજ દેવા તેજાભાઇને પણ મુંડ ઇજાઓ કરેલ હોવાની ફરીયાદ થતા અને પોલીસ દ્વારા તપાસ કરીને ચાર્જશીટ ફાઇલ કરેલુ હતુ અને અલગ અલગ ૩૫ સાહેદોના નિવેદનો લીધેલા હતા. તેમજ પંચનામાઓ કરેલા હતા.

 આ કેસ પોરબંદરના ડીસ્ટ્રીકટ જજ શ્રી રાજેની કોર્ટમાં ચાલી જતા અને સરકાર તરફે કુલ અલગ અલગ ૨૦ સાક્ષીઓને તપાસેલ હતા. પરંતુ ફરીયાદી સહીત નજરે જોનાર તમામ સાક્ષીઓએ તેમજ તમામ પંચોએ પોલીસને કાર્યવાહીને મદદ કરેલ નહી. અને પોલીસ કાર્યવાહીથી વિરૂધ્ધની જુબાની કોર્ટમાં આપતા અને તે રીતે બનેલા બનાવમાં હાલના આરોપીઓ સંડોવાયેલ ન હોવાનુ તેમજ ફરીયાદી તેમજ સાહેદો તેને ઓળખતા ન હોવાનો કોર્ટના રેકર્ડમાં જુબાનીમાં જણાવતા અને તે રીતે નામદાર કોર્ટના રેકર્ડમાં આરોપી વિરૂધ્ધનો કોઇ પુરાવો રજુ ન થતાં અને તેથી કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. અને તે રીતે આરોપીઓનો એક વર્ષ કરતા વધારે સમય બાદ જેલ મુકત થયેલ છે.

આ કામમાં તમામ આરોપીઓ વતી પોરબંદરના એડવોકેટ શ્રી દિપકભાઇ બી.લાખાણી, ભરતભાઇ બી.લાખાણી, હેમાંગ દિપકભાઇ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા, અનિલ ડી.સુરાણી તથા જયેશભાઇ રોકાયેલા હતા.

(11:26 am IST)