સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં બીજે દિ' ઝાકળવર્ષાઃ ખુશનુમા વાતાવરણ

બપોરે મહત્તમ તાપમાનમાં થતો વધારોઃ એક જ દિવસમાં બે ઋતુનો અનુભવ

ગોંડલ હાઇ-વે ઉપર ઝાકળ : ગોંડલ  : આજે બીજા દિવસે પણ ગોંડલ હાઇ-વે ઉપર ઝાકળ વર્ષાનો અહેસાસ થતાં વાહન વ્યવહારને ભારે અસર પડી હતી અને મોડે સુધી વાહનોની લાઇટો ચાલુ રાખવી પડી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

 

રાજકોટ, તા. ૧૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત બીજા દિવસે ઝાકળવર્ષા થતાં સર્વત્ર ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હતો.

ગઇકાલે સવારના ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધી ઝાકળવર્ષા છવાયેલી રહ્યા બાદ આજે બીજા દિવસે પણ ઝાકળવર્ષા થઇ હતી.

સવારના ૬ વાગ્યા સુધી ૮ વાગ્યા સુધી ર કલાક ઝાકળવર્ષાનું પ્રમાણ રહ્યું હતું. જો કે ગઇકાલ કરતા આજે ભેજની માત્રા થોડી ઓછી હતી.

જાકળવર્ષાના કારણે સવારના ખુશનુમા વાતાવરણનો અનુભવ થયો હતો.

જયારે સવારે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ ગયું હતું અને જેમ જેમ દિવસ પસાર થતો હતો તેમ તેમ ગરમીની અસર વધવા લાગી હતી અને બપોરના સમયે ધોમધખતા તાપનો અહેસાસ થઇ રહ્યો હતો.

રાજયભરમાં આકરા ઉનાળાના એંધાણ વચ્ચે ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. માર્ચ મહિનો હજુ તો અડધો થયો છે ત્યારે ગરમીનો પારો ૩૮ ડીગ્રીને પાર થઇ જતાં આવનારો ઉનાળો કેટલો ભયંકર અને વિષમ હશે તેની કલ્પના જ ધ્રુજારી ફેલાવી દે તેવી છે.

ગઇકાલે અમરેલીમાં સૌથી વધુ ૩૮.૮ ડીગ્રી ગરમી નોંધાઇ હતી. જયારે અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૭ ડીગ્રીએ પહોંચ્યો હતો. વડોદરામાં પણ ગરમીનો પારો ૩૮ ડીગ્રીએ પહોંચી ગયો હતો. ચાલુ વર્ષે ગરમીનો પારો ઉંચો જવાની હવામાન વિભાગે આગાહી કરી છે તે જોતા આવનારા દિવસોમાં ગરમી ધારણ કરતા વધશે તેવી શકયતાઓ જણાઇ રહી છે.

અમદાવાદમાં ૩૭.૧ ડીગ્રી ગરમી નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. બપોરે ૧૧ વાગ્યા પછી અત્યારથી જ રસ્તાઓ પર લોકોની અવરજવર નહીંવત જોવા મળી રહી છે. કામ સિવાય લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ શહેરમા ઠંડા પીણાથી લઇ શેરડીના કોલા સેન્ટરો, આઇસ્ક્રીમ પાર્લરોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. હજુ ગરમીના અઢી મહિના કરતા પણ વધારે સમય બાકી છે ત્યારે ગરમીનો પારો ૪૦ ડીગ્રીને પાર કરી જશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

રાજયભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું અને ૧૦ શહેરોમાં ગરમીનો પારો ૩૭ ડીગ્રીને પાર થઇ ગયો હતો. ઉનાળાના પ્રારંભે જ ગ્રામ્ય વિસ્તારોમાં જયાં પાણીના પોકાર શરૂ થઇ ગયા છે તેવા વિસ્તારોમાં મહિલાઓ પાણી માટે રઝળપાટ કરે છે તો પશુપાલન સાથે સંકળાયેલા પરિવારો માટે આવનારો ઉનાળો અતિશય આકરો બનવાના એંધાણ છે.

અમદાવાદ સહિત રાજયભરમાં ઉનાળાના પ્રારંભે જ લોકો તોબા પોકારી ઉઠયા છે ત્યારે આવનારા દિવસોમાં લોકો હેરાન-પરેશાન થઇ ઉઠશે.

જામનગર

જામનગર શહેરનું તાપમાન ૩૩.પ મહત્તમ, ૧૬.૬ લઘુતમ, ૯૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૬.૯ કિ.મી. પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.(૮.પ)

(10:58 am IST)