સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

૨૮મી પુણ્યતિથિએ પૂ.પટેલ બાપુને પ્રણામ

પટેલ બાપુઃ જન્મ્યા ત્યારથી જ અસામાન્ય ઘટનાઓ સર્જાયેલ

આઝાદી પૂર્વે દાતારની જગ્યા ઉપર બેઠા અને પછી ૪૫ વર્ષમાં કયારેય પગથીયા ઉતર્યા ન હતાઃ દાયકાઓ પૂર્વે અમે પટેલ બાપુને ટીવી બતાવ્યું તો કહ્યું કે : આ 'ટિવ્યુ' દેશનું ધનોતપનોત કાઢી નાખશે..!!: એક અવતારી પુરૂષ કુદરતની લીલાના અગમ્ય ભાગરૂપે આપણી વચ્ચે આવ્યા અને ભૂમિકા ભજવી ચાલ્યા ગયાઃ પૂ. પટેલ બાપુએ પરમપદ પ્રાપ્ત કરેલઃ સદા નિજાનંદમાં રહેતાઃ ખૂબ આનંદી હતાઃ આનંદ - હાસ્યની છોળો ઉડવી

દાતારના પૂ. પટેલબાપુએ દેહ છોડયાને તાજેતરમાં જ ૨૭ વર્ષ પૂરા થયા. સૌરાષ્ટ્ર - ગુજરાતના સિનીયર મોસ્ટ જર્નાલિસ્ટ - કોલમીસ્ટ શ્રી જગદીશ આચાર્યએ પટેલ બાપાને સોશ્યો મિડીયામાં - ફેસબુક પર આપેલ અંજલીરૂપ આર્ટીકલ સાભાર અહીં પ્રસ્તુત કર્યો છે.

પટેલ બાપુને બધા 'બાપા' કહેતાં. બાપાએ દેહ છોડયાને ૨૭ વર્ષ થઈ ગયા પણ હજુ જાણે કે ગઈકાલેજ એ બન્યું હોય એવું લાગે છે.હકીકતમાં તો બાપા ગયા જ નથી એવું લાગે છે.

૧૯૮૧માં હું પહેલી વખત દાતાર ગયો અને ત્યારથી બાપાએ ૧૯૯૧માં વિદાય લીધી ત્યાં સુધી એમના પવિત્ર સંનિધ્યનો મને લાભ મળ્યો.એ દિવસો અદભુત હતા.કલાકો સુધી અમે બાપા પાસે બેઠા રહેતા.ન તેઓ કાંઈ બોલતા કે ન અમે.બોલવાની જરૂર પણ ન લાગતી.ન સમજાય એવી શાંતિ અને દિવ્યતાનો અનુભવ થતો.બસ મોજ હી મોજ,મસ્તી હી મસ્તી.

એ વખતે નાની ઉંમર હતી.બહુ સમજણ પણ નહોતી.સમજણની જરૂર પણ નહોતી.એ બધું સમજણ અને તર્કની બહારના પ્રદેશનું હતું.

બાદમાં જયારે રામકૃષ્ણ પરમહંસ અને તેમના શિષ્યો, રમણ મહર્ષિ, પવહરિબાબા, મહર્ષિ યોગનંદ, જલારામ બાપા, સત દેવીદાસ અને અન્ય સંતોઙ્ગ સહિતના પરમ અવસ્થાને પ્રાપ્ત કરનારા મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચ્યા ત્યારે સમજાયું કે એ બધાના જીવન,એમની સાધના તપશ્ચર્યા, એમના અનુભવો અને એમની અનુભૂતિઓમાં અને બાપાની જીવનયાત્રા માં કેટલું બધું સામ્ય હતું.

બાપાનું જીવન અદભુત હતું. જન્મ્યા ત્યારથી એમના જીવનમાં અસામાન્ય ઘટનાઓ બનવા લાગી હતી.શેરીમાં રમવાની ઉંમરે તેઓ વગડામાં જઈ ધ્યાનમાં ગરકાવ થઈ જતા.બાપાનું નામ દેવશી હતું. બધા કહેતા કે દેવશી સંસારનો જીવ નથી. ખરેખર એવું જ હતું. વિધિના કોઈ લેખ પુરા કરવા એમના લગ્ન થયા. પુત્ર જન્મ થયો. એ પુત્ર બે વર્ષનો હતો ત્યારે ભરજુવાનીમાં પ્રચંડઙ્ગ વૈરાગ્ય ભાવ હેઠળ એક રાત્રે તેમણે ઘર છોડી દીધું.કુટુંબ,માયા અને સંસાર સાથેનો છેલ્લો તાંતણો તોડીને તેઓ અંદરના અવાજને અનુસરી દાતાર પર આવ્યા અને દાતારમય બની ગયા.

તેમણે કઠોર તપ કર્યું.દરરોજ ખભા પર પાણીની કાવડ ઉપાડીને દાતાર ચડવું,જૂનાગઢમાં થી કરિયાણું ખરીદી,ઉચકી અને દાતાર પહોંચવું,જગ્યામાં વાસીદુ કરવું અને ઢોર ચરાવવા જવું એ એમનો નિત્ય કર્મ હતો.આવી શરીર તોડી નાખતી મજૂરી કર્યા બાદ તેઓ રાત્રે પર્વતની શીલા પર બેસી ધ્યાનમાં બેસી જતાં. બાપા નિંદ્રાને જીતતા ગયા,અંદરથી જાગતા ગયા, મોહ, માયા,  ક્રોધ, લાલચ, ભય, વાસના, ઈચ્છાઓ પર કાબુ મેળવતા ગયા. વર્ષોની આકરી તપશ્ચર્યા અને દાતારની ભકિત બાદ બાપાએ પરમ અવસ્થા પ્રાપ્ત કરી, ઈશ્વરના દર્શન કર્યા, આત્મ જ્ઞાનના સુરજો ઝળહળયા. બાપાએ પરમ પદ પ્રાપ્ત કર્યું.

જો કે આ યાત્રા સહેલી નહોતી.તેમાં અનેક વિઘ્નો આવ્યા.બાપા કહેતા, હું અનેક વખત હતાશ થઈ જતો,હિંમત હારી જતો,આંખમાંથી આંસુ સરી પડતાં પણ દરેક વખતે દાતારબાપુ સધિયારો આપી જતા,વિશ્વાસ અપાવી જતાં.

બાપાએ એક બે કિસ્સા અમને કહ્યા હતા. બાપા ઉપર એક વખત ખોટું આળ મુકવામાં આવ્યું.બાપા ખૂબ વ્યથિત થઈ ગયા. બાપાના જ શબ્દોમાં જાણીએ કે પછી શું થયું.

'મેં બાપુને કહ્યું કે મારી ઉપર ખોટું આળ લગાવાયું છે.તમે ન્યાય કરો.તે રાત્રે મને બાપુએ એક સ્વપ્ન દેખાડ્યું તેમાં બાપુના દરબારમાં એક વૃક્ષ ફરીયાદ કરવા આવ્યું હતું.એક કઠિયારાએ એ વૃક્ષની લિલી ડાળ કાપી નાખી હતી.બાપુએ તેનો ન્યાય કર્યો.આ સપના દ્વારા બાપુએ એવો સંદેશો આપ્યો કે અહીં વૃક્ષને પણ ન્યાય મળે છે તો શુ તને નહી મળે..?'

આ ઘટના પછી બધું સરખું થઈ ગયું.બાપા સાંગોપાંગ પાર ઉતરી ગયા અને આળ મુકનારાઓ કયાં ગાયબ થઈ ગયા તે કોઈને ખબર નથી.

એવીજ એક બીજી ઘટના બની હતી.કેટલાક તત્વો બાપા ઉપર ખૂબ અત્યાચાર કરતા હતાં. બાપા બધું ચૂપચાપ સહન કરી લેતાં. પણ એક દિવસ બાપા થાકી ગયા.આંખમાં આંસુ સાથે એમણે બાપુને કહ્યું, 'હવે સહન નથી થતું,હું જાઉં છું.'

તે રાત્રે બાપાને ફરી એક વખત સપનું આવ્યું.બાપા કાળવા ચોકમાં જઇ રહયા હતા ત્યાં સામેથી તલવારો લઈને એક ટોળું આવ્યું.એ ટોળું હુમલો કરે તે પહેલાં બાપાની પાછળથી એક હાથ આવ્યો.એ હાથે બાપાને લાકડી આપી અને કહ્યું, બસ તારે ખાલી લાકડી પકડવાની છે, બાકી બધું હું કરીશ.એ શબ્દો સાથેજ લાકડી વીંઝાવા લાગી, ટોળાંમાંથી કેટલાય ઢળી પડયા, બાકીના ભાગી ગયા. રસ્તો સાફ થઇ ગયો અને સાથેજ બાપાના મનમાં રહેલી નાની મોટી આશંકાઓ પણ દૂર થઈ ગઈ.ત્યારથી બાપા નિશ્ચિંત બની ગયા, અભય થઈ ગયા. બાપા કહેતા, 'બસ,ત્યારથી હું અહીં બેઠો છું,બાકી બધું બાપુ કરે છે.'

આ વાતો વાંચીને કોઈને કદાચ એવું લાગે કે અહીં સારા બણગાં ફુકયા છે.પણ ના એવું નથી.આ બધું હું બાપુની વિદાયના ૨૭ વર્ષ પછી લખું છું એટલે એમાં કયાંય બાપુનો પ્રચાર કરવાનો અને કોઈને પ્રભાવિત કરવાનો હેતુ નથી એ તો બધા સ્વીકારશે.મૂળ વાત એ છે કે આવું બનતું હોય છે. મીરા,નરસિંહ જેવા ઈશ્વરની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારનારા પાત્રો કે પછી ઇશ્વરપ્રાપ્તિ કાજ સર્વસ્વ ત્યાગી દેનારા તમામ સાધુ સંતો મહાપુરુષો અને આપણી પૌરાણિક કથાઓ મહાન ઋષિઓના જીવનમાં પણ આવી ઘટનાઓ બની છે.અને બાપાના જીવનમાં પણ એવુ જ બન્યું હતું.

બાપા નો વિરકત ભાવ અદભુત હતો. આઝાદી પૂર્વે દાતારની ગાદીએ બેઠા તે પછી એટલે કે ૪૫ વર્ષ સુધી તેઓ કદી પગથિયાં પણ ન ઉતર્યા. આઝાદી પછીનું જૂનાગઢ તેમણે જોયું નહોતું.પર્વત પર દાતારની નાનકડી જગ્યામાં તેમનું વિશ્વ સમાઈ ગયું હતું.

એક કિસ્સો યાદ આવે છે. ૮૧ના એ કાળમાં આપણે ત્યાં ટી.વી. હજુ નવાસવા હતા.અમને એક વખત વિચાર આવ્યો કે ગાદીએ બેઠાં પહેલાં બાપા જૂનાગઢમાં જે દુકાનેથી માલ સમાન ખરીદતા અને જે રસ્તાઓ પર થી પસાર થતાં ત્યાંથી શરૂ કરીને દાતારની સિડી, જંગલ અને સિડી પરની અન્ય જગ્યાઓનો વીડિયો ઉતારવો.આપણને બધાને આપણાં ભૂતકાળ સાથે જોડાયેલા સ્થળો પ્રત્યે એક અનોખું આકર્ષણ હોય છે. માણસ માત્રને ભૂતકાળ મમળાવવો ગમતો હોય છે. બાપાને પણ એ જોવું ગમશે તેમજ એ સ્થળોએ થયેલા ફેરફારથી બાપા વાકેફ થશે એવા હેતુ સાથે અમે એ વખતના તોતિંગ,ભારેખમ ટી.વી.,વી સી આર, તથા કેમેરા લઈને જૂનાગઢ પહોંચયા. બધું શૂટિંગ કર્યું. અને દાતારની જગ્યામાં પહોંચ્યા. બાપા એ સમયે ગુફામાં બેઠા હતા. મેં બધી વાત કરી અને બાપાને એ વીડિયો કેસેટ જોવા માટે વિનંતી કરી.મને એમ હતું કે બાપા ખૂબ ઉત્સુક બની જશે પણ બન્યું સાવ ઊંધું.

બાપા કહે, 'મારે નથી જોવું.એમાં શું જોવાનું હોય'

પછી કહે, 'બાપુ અહીં બેઠા બેઠા આખી દુનિયા ને બધા'ય લોક દેખાડે છે..'

મને દુઃખ તો થયું,પણ બાપા કહે એ માન્ય એમ માની મેં કાંઈ વધારે દલીલ ન કરી.

થોડીવાર પછી હું ગુફામાંથી બહાર આવ્યો. દાતાર ઉપર જ રહેતાં પરમ સેવક પૂજય મનુ બાપુએ હસીને મને પૂછ્યું કે બાપાએ શું કહ્યું?મેં બધી વાત કરી.ત્યારબાદ મનુબાપુએ બાપાને મનાવ્યાં કે છોકરાઓ હોંશથી,આટલી મહેનત કરીને આ બધું લાવ્યા છે ને તમે ના પાડી દ્યો તો બધા નિરાશ થાય. બાપ સાવ બાળક જેવા હતા. તેઓ કહે,એવું હોય તો ચાલો જોઈ લઈએ.

અમે દાતારના એક માત્ર રૂમમાં બધું ગોઠવ્યું. ટી.વી.સામે આંગળી ચીંધીને બાપાએ એ શું છે એવું પૂછ્યું.મેં કહ્યું કે એ ટી.વી.છે અને એમાં પિકચર દેખાશે. બાપાએ તે પછી અમે ઉતરેલા દ્રશ્યો નિહાળ્યા.બધું જોઈ લીધા પછી બાપુ કહે, 'આ ટી.ઉ.(ટી.વી.ને બદલે બાપા ટી.ઉ.બોલ્યા હતા)આ દેશનું ધનોત પનોત કાઢી નાખશે.'

એ વખતે ટી.વી.જોવા અગાશીઓ પર એન્ટેના લગાવવા પડતા. એક માત્ર દુરદર્શન આવતું. ધાર્મિક અને સમાજિક સિરિયલો આવતી.ટી.વી.સાત્વિક માધ્યમ હતું. એ સમયે કોઈને કલ્પના પણ નહોતી કે કેબલ અને ડિસ્ક આવશે,દુનિયાભરની ચેનલો ઉભરાશે.આજે આપણે આપણા સમાજ જીવન ઉપર અને આપણી સંસ્કૃતિ ઉપર ટી.વી.ની હાનિકારક અસરો અનુભવી રહ્યા છીએ. બાપા ૩૬ વર્ષ પહેલાં પર્વત ઉપર બેઠાં એ જોઈ શકયા હતા.બાપા હજારો વર્ષ પહેલાના ભૂતકાળને પણ જોઈ શકતા અને ભવિષ્યમાં બનનારી ઘટનાઓને પણ જોઈ શકતાં. દેશ,દુનિયા અને અનેક ભાવિકોને જીવન અંગે બાપાએ પ્રસંગોપાત કરેલી આગાહીઓ સાચી ઠરી છે અને હજુ પણ તેમણે કહ્યા મુજબનું બનતું રહેશે તેમાં મીનમેખ નથી.

બાપા એ પરમ પદને પ્રાપ્ત કર્યું હતું.તેઓ સદા નિજાનંદમાં રહેતા.ખૂબ અનંદી હતા,આનંદ અને હાસ્યની છોળો ઊડતી રહેતી.એમનું જીવન અત્યંત સરળ, સાદું અને શિસ્તભર્યું હતું. બાપા સવારે ૪-૪.૩૦ વાગ્યે ઉઠી જતાં. ૬ વાગ્યા આસપાસ ગુફામાં બેસી જતા,બપોરે ૨ વાગ્યે બહાર આવી ૨.૩૦ વાગ્યે જમવા બેસતાં. એક તાંસળીમાં રોટલી,ખીચડી,દહીં ભેગું કરી તેઓ ગટગટાવી જતાં.દાતારમાં એ એક જ રૂમ હતો.એ જ રૂમમાં ધુણો છે.તેની સામે ખૂણામાં ગાદલી પર બાપા બપોરે ૩ વાગ્યે આડે પડખે થતા. બીજા યાત્રાળુઓ માટે પણ ત્યાં જ ગાદલા નખાતા.બાપાનો ઇન્દ્રિયો પર એવો કાબુ હતો કે માત્ર ૧૦ સેકન્ડમાં તેમના નસકોરાં ગાજવા લાગતાં. બરાબર ૩.૩૦ વાગ્યે તેઓ ઉઠી જતાં. અને ૫ વાગ્યા સુધી બહાર બેસતાં. એ જ સ્થળે બાદમાં બાપાને સમાધી આપવામાં આવી.

૫ વાગ્યે બાપા ફરી ગુફામાં બેસી જતા. રાત્રે ૮ આસપાસ બહાર આવી એકાદ કલાક ભાવિકો સાથે વાત કરતા. નવ સાડાનવે જમી ને એક દોઢ કલાકની નીંદર કરતાં. રાત્રે ૧૧ આસપાસ તેઓ એ રૂમ સાથે જોડાયેલા કોઠાર રૂમ માં ચાલ્યા જતા.એ રૂમમાં એક ઓટલો બનાવાયો હતો,તેની ઉપર બેસી તેઓ સવારે ૪ વાગ્યા સુધી ધ્યાન કરતા.વર્ષો સુધી એ ક્રમમાં કાંઈ ફેરફાર ન થયો. એ ઓટલા ઉપરજ બાપાએ દેહ ત્યાગ્યો હતો.

બાપા અત્યંત સાદા હતા.ખૂબ કરકસર કરતાં. પોતાના ફાટી ગયેલા વ સ્ત્રો હાથે સાંધતા.તેમણે વિદાય લીધી ત્યારે બે જોડી કપડાં સિવાય કંઈ નહોતું.

એક અવતારી પુરુષ કુદરતની લીલાના કોઈ અગમ્ય ભાગ તરીકે આપણી વચ્ચે આવ્યા અને પોતાની ભૂમિકા ભજવીને ચૂપચાપ ચાલ્યા ગયા.

બાપાએ અહમને જીત્યો હતો.તેઓ 'હું' કે 'મારૂ' એ શબ્દો પણ ન બોલી શકતાં. દર્શને આવેલા ભાવિકો પોતાની સમસ્યા કહે ત્યારે બાપા કહેતા કે બાપુને સાચા દિલથી પ્રાર્થના કરો,બાપુ બધું સારું કરી દેશે.

બાપા સીધો સાદો ઉપદેશ આપતા.તેઓ કહેતા કે સત્યથી મોટી કોઈ સાધના નથી,સત્યથી મોટો કોઈ ધર્મ નથી. તેઓ બેઝિક વાતો કહેતા.સત્યના પંથે ચાલવું, કોઈનું ખરાબ ન કરવું કે ન ઇચ્છવું, હરામનું ન ખાવું,હિંસા ન કરવી,જીવ માત્ર ઉપર દયા રાખવી,કોઈનું પડાવી ન લેવું, નિર્બળ કે ગરીબને હેરાન ન કરવા, કોઈને રોજી રોટી આપી ન શકીએ તો કાંઈ નહી પણ કોઈની રોજી રોટી છીનવવામાં નિમિત્ત્। ન બનવું, કોઈના સુખની ઇર્ષ્યા ન કરવી, કોઈની પ્રગતિમાં આડખીલીરૂપ ન બનવું, કોઈના નિસાસા ન લેવા, કોઈની  સ્ત્રી પર નજર ન નાખવી, પદ, પૈસા, વગ, શકિત કે સુંદરતાનું અભિમાન ન રાખવું. ભુખ્યાને અન્ન આપવું... આટલું કરીએ તો ભગવાન ભેગાં રહે.

બાપાએ પોતાની વિદાય પૂર્વે એ અંગેના નિર્દેશ આપી દીધા હતા.એક દિવસ હું અને એક બીજા ભાવિક દાતાર ગયા હતા ત્યારે બાપાએ વાત વાત માં કહ્યું, 'હવે અહીં દિલ નથી લાગતું.'

અમે પૂછ્યું, 'બાપા,તમે ચાલ્યા જશો તો અમે તમને કયાં ગોતશું?'

બાપાએ ગુફાના પડદા તરફ આંગળી ચીંધી કહ્યું, 'આની પાછળ.'

એ ઘટનાના ૪ મહીનબાદ બાપા એ દેહ છોડ્યો અને ગુફામાં સમાઈ ગયા.અને એટલેજ એવું અનુભવતું રહે છે કે બાપા કયાંય ગયા નથી,ત્યાં જ છે અને ત્યાંજ રહેશે.

બાપા કહેતા કે દાતારની જગ્યાનો ખૂબ વિકાસ થશે.હજારો લાખો લોકો ના ઘરમાં દાતારબાપુ પૂજાશે. દાતાર શરણે આવનાર કદી દુઃખી નહિ થાય. બાપાના એ શબ્દો સાચા સાબિત થઈ રહ્યા છે.દાતારના વર્તમાન મહંત પૂજય વિઠલબાપુ અને લઘુ મહંત પૂજય ભીમબાપુએ દાતારની જગ્યાનો અકલ્પય વિકાસ કર્યો છે. પર્વત ઉપર આટલી ઊંચાઈએ જે સુવિધાઓ ઉભી કરાઇ છે તે માનવીય શકિત બહારની વાત છે. જગ્યામાં ૨૪ કલાક અન્નક્ષેત્ર ધમધમે છે. યાત્રિકો માટે શ્રેષ્ઠ સુવિધાઓ વિકસાવાઈ છે. ગૌ શાળામાં સેંકડો ગૌ માતા અને અબોલ જીવોનું હેતથી પાલન કરવામાં આવે છે. પૂજય વિઠલબાપુ નમ્રતાભેર કહે છે કે હું તો માધ્યમ છું,કરે છે બધું બાપા અને બાપુ.આજે લાખો લોકો આ પવિત્ર ગેબી સ્થળે દર્શને આવે છે.તહેવારોમાં તો દર્શન માટે છેક સક્કર કુઇ (દાતારની જગ્યાથી ૫૦૦ પગથિયાં નીચે)થી લાઈનમાં ઉભું રહેવું પડે એવો ધસારો થાય છે.બધા ની પ્રાર્થના ફળે છે,કોઈ નિરાશ નથી થતું.દાતારની કૃપા અને દયા નો બધાને લાભ મળે છે.

આ પવિત્ર જગ્યાના દર્શને જવાનો અને પટેલબાપુના સનિધ્યનો લાભ મળ્યો તે બદલ મારી જાતને ભાગ્યશાળી સમજુ છું.બાપા ની યાદો આજે તાજી થઈ એટલે આટલું બધું લખી નાખ્યું.કેટલું'ય લખવાનું બાકી છે.એ વળી ફરી કયારેક. ત્યાં સુધી બધાંને જય દાતાર.

રાજકોટ - સૌરાષ્ટ્રના સિનીયરમોસ્ટ

જર્નાલીસ્ટ - દિવ્ય ભાસ્કરના વરિષ્ઠ

પત્રકાર શ્રી જગદીશભાઇ આચાર્ય

(મો. ૯૮૨૫૨ ૭૪૩૭૪)નો

(સોશ્યલ મિડીયામાં પ્રસિધ્ધ  થયેલો લેખ સાભાર)

(10:41 am IST)