સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th March 2018

પીએનબી કૌભાંડ સામે NSUI દ્વારા અનોખો વિરોધઃ લોન માટેની અરજીમાં લોન સમયસર ભરી આપીશ તેવી ખાત્રી આપી

જામનગરઃ કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેંક સાથેના કૌભાંડ બાદ એનએસયુઆઇ દ્વારા જામનગરમાં વિરોધ પ્રદર્શન કરીને લોન માટેની કરેલી અરજીમાં લોન સમયસર ભરી આપીશ તેવી ખાત્રી આપીને મારે ૧૧ હજાર કરોડ નહીં પરંતુ ૧૧ લાખની જ જરૂર છે તેવો ઉલ્લેખ કરતા ભારે ચર્ચા જાગી છે.

જામનગર NSUI દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં NSUI ના કાર્યકરો શહેરની પીએનબી બેંક શાખામાં પહોંચ્યા હતા અને NSUI કાર્યકરોએ નીરવ મોદીનું માસ્ક પહેરી બેંકમાં પ્રવેશ કર્યો હતો. તો સંસ્થાના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ લોન માટે અરજી પણ કરી હતી જે અરજી બ્રાંચ મેનેજરને કરવામાં આવી હતી.

જે લોન માટેની અરજીમાં જણાવ્યું છે કે "મારૂ નામ મહિપાલસિંહ જાડેજા છે. હું છેલ્લા ૧૦ વર્ષથી જામનગરમાં રહું છું. હું શિક્ષિત બેરોજગાર છું. મારૂ ઘર ચલાવવા માટે ધંધો શરુ કરવા રૂપિયાની જરૂર છે. જેથી હું લોન માટે અરજ કરું છું અને આપના બોસ નીરવ મોદીની જેમ ૧૧ હજાર કરોડ નહિ પરંતુ ફક્ત ૧૧ લાખની જરૂર છે અને રકમના હપ્તા હું સમયસર ચૂકવીશ તેની ખાત્રી આપું છું અને અરજી સાથે આપના બોસ નીરવ મોદીનો ભલામણ પત્ર પણ સામેલ છે " તો અંતમાં ખાસ નોંધ કરી જણાવ્યું છે કે "મારી પાસે પાસપોર્ટ નથી જેથી હું દેશ છોડીને જવાનો નથી" રીતે PNB બેંક કોભાંડનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

તેમજ નીરવ મોદીના નામનો ભલામણ પત્રની નકલ પણ આપવામાં આવી હતી જે બ્રાંચ મેનેજરને ઉદ્દેશીને લખવામાં આવી હોય જેમાં જણાવ્યું છે કે મહિપાલસિંહ જાડેજાને તાત્કાલિક ધોરણે ૧૧ લાખ રૂપિયાની લોન દેવા માટે હું તમને ભલામણ અને હુકમ કરું છું અને વ્યક્તિ મારી જેમ તમારી બેંકનું ફૂલેકું નહિ ફેરવે તેની ખાતરી પણ આપું છું. આમ નીરવ મોદીનો ભલામણ પત્ર તેમજ યુવાને લોન માટે અરજી કરીને બેંક પાસે લોનની માંગ કરી હતી અને PNB બેંક કોભાંડનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

(6:23 pm IST)