પાસપોર્ટ ઉપર રાજસ્થાન આવેલા પાકિસ્તાની શખ્સની કચ્છના સરહદી ગામોમાં 'ભેદી' હિલચાલ-ગેરકાયદે કચ્છ પ્રવેશથી ખળભળાટ
વગર મંજૂરીએ કચ્છના સરહદી ગામોના 'નામીચા' શખ્સો સાથે મળનાર પાકિસ્તાની શખ્સ કોણ? એજન્સીઓમાં તપાસનો ધમધમાટ
ભુજ તા. ૧૩ :.. કાશ્મીર સરહદે ચાલી રહેલ નાપાક ભાંગફોડીયા પ્રવૃતિ અને આતંકવાદના ઓછાયાની વચ્ચે રાજસ્થાનની સાથે કચ્છનાં સરહદી વિસ્તારોમાં દેખાયેલા પાકિસ્તાની શખ્સની મુલાકાત શંકાના દાયરામાં આવી ગઇ છે.સુત્રોના જણાવ્યા પ્રમાણે પાસપોર્ટ ઉપર રાજસ્થાન આવેલા અને કચ્છ સાથે પારિવારિક સબંધ ધરાવનાર પાકિસ્તાની શખ્સે વગર મંજૂરીએ કચ્છના સરહદી ગામોની મુલાકાત લીધી હીત.
વિદેશી નાગરિકોને કચ્છના સરહદી ગામોમાં ફરતા પૂર્વે પોલીસ વિભાગની મંજૂરી મેળવવી પડે છે. પરંતુ પાકિસ્તાની શખ્સે સરહદી વિસ્તારોમાં મુલાકાત વેળાએ સુરક્ષા એજન્સીઓને અંધારામાં રાખવા છકડા અને અન્ય સ્થાનીક વાહનો દ્વારા અંતરીયાળ રસ્તે પ્રવાસ ખેડીને ભૂતકાળમાં સરહદી ગેરપ્રવૃતિઓ સાથે સંકળાયેલા નામીચા શખ્સોની મુલાકાત લીધી હતી.
જો કે આ મુલાકાત થઇ ગયા બાદ એ પાકિસ્તાની શખ્સનાં ઇરાદાઓ અને બદઇરાદાઓ શું છે એ રાષ્ટ્રહીત માટે મહત્વનું છે. ત્યારે સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર તંત્ર એ હવે શરૂ કરેલા તપાસના ધમધમાટમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું... ?