સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 13th February 2018

મહાશિવરાત્રી નિમિતે પાણી ઉતરી જતુ હોવાથી દ્વારકા સમુદ્ર વચ્ચે બિરાજમાન શ્રી ભડકેશ્વર મહાદેવના દર્શને ભાવિકો

મારૂતીનંદન હનુમાનજી મંદિરે બજરંગબલીને શિવજીના વિશિષ્ટ શ્રૃંગાર

દ્વારકા તા.૧૩: પુરાણપ્રસિદ્ધ મોક્ષદાયિકા દ્વારકા નગરીમાં સ્થાપિત અનેક શિવાલયો પૈકી સૌથી વધુ ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતા અને સમુદ્ર મધ્યે બિરાજતા શ્રી ભડકેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી મહા વદ તેરસ ને તા.૧૩ ફેબ્રુઆરીને મંગળવારના મહાશિવરાત્રિના શુભદિને ભવ્ય લોકમેળો યોજાશે જેમાં સમગ્ર ઓખામંડળમાંથી શિવભકતો દર્શનાર્થે ઉમટી પડશે. આવતીકાલે દ્વારકાના આ પૌરાણિક શિવાલયમાં આવતીકાલે સવારે ૪ વાગ્યે ઉત્સવ આરતી યોજાશે. સાંજે ૪ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધી સમગ્ર ઓખામંડળમાં એકમાત્ર શિવાલય ખાતે દર વર્ષની જેમ મેળાનું પણ આયોજન કરાયું છે. રાત્રે ૧૦ વાગ્યાથી નિર્મળાબેન દુધરેજીયાના ભજન તથા રાત્રિના ૧૨ કલાકે શિવજીની મહાઆરતીનું પણ આયોજન કરાયું છે.

મહાશિવરાત્રિએ ભોળાનાથને રીઝવવાનો શ્રેષ્ઠ દિન હોય સવારથી જ ભડકેશ્વર મહાદેવ મંદિરે ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડે છે અને મહાદેવને ષોડશોપચાર મંત્રો સાથે દૂધ તથા જલનો અભિષેક, બીલીપત્ર ચડાવી શિવજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભગવાન શિવની કૃપાથી સમુદ્રના નીર આપોઆપ ઓસરી જતાં સગ્ર દિન દરમ્યાન ભાવિકો સેતુ પસાર કરી ભોળાનાથના દર્શન કરી શકે છે. દર વર્ષે ઓખામંડળના હજારો ભાવિકો શિવરાત્રિના શુભદિને ભડકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે. બપોર બાદ અહીં ભવ્ય લોકમેળો પણ યોજાય છે.

દ્વારકામાં સિદ્ધનાથ મંદિર પરિસરમાં આવેલા પ્રસિધ્ધ મારૂતી નંદન હનુમાનજી મંદિરમાં બિરાજતા હનુમાનજીના સ્વરૂપને રામાવતારમાં ભગવાન શિવનો જ અવતાર ગણાતા હોય અને આવતીકાલે મહાશિવરાત્રી પર્વ હોય ભગવાન બજરંગબલીને શિવજીના સ્વરૂપનો વિશેષ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યો હતો. જેમના દર્શન મનોરથનો મોટી સંખ્યામાં સ્થાનીય ભાવિકો તથા બહારથી પધારતાં દર્શનાર્થીઓ લાભ લઇ રહ્યા છે.

(11:22 am IST)