સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 13th January 2021

રોજગારવાંચ્છુઓ એક કોલ પર 'રોજગાર સેતુ'ના માધ્યમથી કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી - રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી મેળવી શકશે : વિજયભાઇ રૂપાણી

જામનગર, દેવભુમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લામાં ઓનલાઇન કોલ સેન્ટરનો પ્રારંભ

જામનગર - દેવભૂમિ દ્વારકા - સુરેન્દ્રનગર તા. ૧૩ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જયંતિ 'રાષ્ટ્રીય યુવા દિવસે' રાજયના રોજગાર વાંચ્છુ યુવાઓ માટે રોજગારલક્ષી ઓનલાઇન કોલ સેન્ટર 'રોજગાર સેતુ'નો પ્રારંભ જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લામાં કરાવ્યો હતો.

દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજયનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને રાજયના કોઇ પણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે.

શ્રમ અને રોજગાર મંત્રી શ્રી દિલીપભાઇ ઠાકોરે જણાવ્યું કે, રોજગાર સેતુ  પ્રોજેકટની વિશેષતા એ છે કે, દેશમાં પ્રથમવાર રોજગાર સેતુ – કોલ સેન્ટરના માધ્યમથી જિલ્લા રોજગાર કચેરી સાથે ઉમેદવાર સીધો સંવાદ કરશે. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજયનો કોઇપણ ઉમેદવાર એક સિંગલ નંબર ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરતાની સાથે જ માહિતી મેળવી શકશે. એટલું જ નહીં કોલ સમાપ્ત થયા બાદ એસ.એમ.એસ.ના માધ્યમથી રોજગાર કચેરીની વિગતો પણ ઉમેદવારને મોકલવામાં આવશે.રોજગાર તાલીમ નિયામકશ્રી આલોક પાંડેએ મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન દ્વારા નવી યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ એપ્રન્ટિસશીપ યોજનાની પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.

આ પ્રસંગે શ્રમ-રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી વિપુલ મિત્રા તેમજ જામનગર ખાતેથી કલેકટરશ્રી, રોજગાર મદદનીશ નિયામકશ્રી સાંડપા અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતેથી જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના, જિલ્લા રોજગાર અધિકારીશ્રી તથા જિલ્લાના રોજગાર દાતાશ્રીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે શ્રમ-રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ  વિપુલ મિત્રા તેમજ સુરેન્દ્રનગર ખાતેથી જિલ્લા કલેકટર એસ. કે. હુડ્ડા, જિલ્લા રોજગાર અધિકારી જે. ડી. જેઠવા, નાયબ માહિતી નિયામક એચ. બી. દવે, સહિતના અધિકારીઓ તથા જિલ્લાના રોજગાર દાતાઓ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

(1:13 pm IST)