સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 13th January 2019

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા ''ડે એટ સી 'નું આયોજન :જિલ્લાના 1200 લોકોએ મધદરિયે જવાનોની દિલધડક કામગીરી નિહાળી

કોસ્ટગાર્ડના ચેતક હેલીકોપ્ટર તેમજ ડોનિયર એરક્રાફ્ટ દ્વાર સર્ચ એન્ડ રેસ્કયુ સહિતની એક્સરસારઈઝ કોસ્ટગાર્ડ દ્વારા કરાઈ

પોરબંદર :કોસ્ટગાર્ડ ડેની ઉજવણી અંતર્ગત પોરબંદરના કોસ્ટગાર્ડ દ્વારા "ડે એટ સી"નુ આયોજન કરાયું હતું પોરબંદર સહિત આસપાસના જિલ્લાના 1200થી વધુ લોકોએ મધ દરિયામાં અડધો દિવસ કોસ્ટગાર્ડની શીપોમાં વિતાવ્યો હતો અને કોસ્ટગાર્ડના જવાનોની દિલધડક કામગીરીને નિહાળી હતી

   ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા દર વર્ષે 1 ફેબ્રુઆરીને કોસ્ટગાર્ડ ડે તરીકે ઉજવવામાં આવે છે. દેશના દરિયા કિનારાની સુરક્ષામાં ચાંપતી નજર રાખતી અને દૂશમનોના દાંત ખાટા કરી દેનાર આપણા ઈન્ડિયન કોસ્ટગાર્ડ વિશ્વભરમાં એક આગવું સ્થાન ઘરાવે છે. કોસ્ટગાર્ડ ડે અંતર્ગત ઈન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા જુદા-જુદા કાર્યક્રમો કરીને ઉજવણી કરવામાં આવતી હોય છે.

   કોસ્ટગાર્ડ દ્વારા આયોજીત "ડે એટ સી" અંગે પોરબંદર કોસ્ટગાર્ડના ડી.આઈ.જી આઈ.એચ.ચૌહણે જણાવ્યું હતુ કે, સામાન્ય લોકો પણ ભારતીય કોસ્ટગાર્ડની દરિયાની કામગીરી શું છે કોસ્ટગાર્ડના જવાનો કેવું કામ કરે છે તેની તેઓને જાણ થાઈ તે માટે દર વર્ષે એક વખત આ ડે એટ સીનું આયોજન કરવામાં આવે છે

   પોરબંદરની કોસ્ટ ગાર્ડ જેટી પરથી સવારે કોસ્ટગાર્ડની સમુદ્ર પાવક, અરુષ, રાજ રત્ન, શુર અને અંકીત સહીતની કુલ 7 શીપો દ્વારા લોકોને મધ દરિયામાં લઈ જવામા આવ્યા હતા.આ શીપોમાં ગુજરાતભરમાંથી આવેલા 1200થી વધુ લોકોને મધદરિયે લઈ જઈ કોસ્ટગાર્ડની કામગીરી અને રેસ્કયુ ઓપરેશન સહિતથી લોકોને વાકેફ કરાયા હતા.

   કોસ્ટગાર્ડના ચેતક હેલીકોપ્ટર તેમજ ડોનિયર એરક્રાફ્ટ દ્વાર સર્ચ એન્ડ રેસ્કયુ સહિતની એક્સરસારઈઝ કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવી હતી. ભારતીય કોસ્ટગાર્ડની આવી દીલડધક કામગીરી જોઈને લોકો રોમાચીત થઈ ઉઠ્યા હતા અને તેઓએ ભારતીય કોસ્ટગાર્ડની કામગીરીને બીરદાવી હતી.

(12:26 am IST)