સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th January 2018

ગોંડલ જામવાડીમાં કોળી સાસુ-વહૂ પર મોટા દિકરા અને વહૂનો હુમલો

ભરતે ગુજરી ગયેલા રેલ કર્મચારી પિતાના પૈસામાંથી ભાગ માંગી ડખ્ખો કર્યોઃ પ્રભાબેન અને મીરાબેનને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૩: ગોંડલ જામવાડીમાં રહેતાં કોળી યુવાને તેની પત્નિ સાથે મળી પોતાના મૃત્યુ પામનાર રેલ કર્મચારી પિતાના પેન્શનના પૈસા મામલે માતા અને નાના ભાઇની પત્નિને લાકડી-ઢીકાપાટુનો માર મારતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

ગોંડલ જામવાડીમાં રહેતાં પ્રભાબેન ધીરૂભાઇ સરવૈયા (ઉ.૫૮) નાaમના કોળી વૃધ્ધાને તેના દિકરા ભરત અને તેની પત્નિ ભાવના ભરતે ધોકાથી માર મારતાં નાના દિકરા વિજયની પત્નિ મીરાબેન સરવૈયા (ઉ.૩૦) વચ્ચે પડતાં તેને પણ ધોલધપાટ થતાં બંને સાસુ-વહૂને ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાયા છે. મીરાબેને કહ્યું હતું કે મારા સસરા ધીરૂભાઇ અગાઉ રેલ્વેમાં નોકરી કરતાં હતાં. દોઢેક વર્ષ પહેલા તેમનું અવસાન થયું હોઇ પેન્શનના પૈસા આવવાના હતાં. જો કે આ પૈસા હજુ આવ્યા નથી. સાસુ પ્રભાબેન અમારી સાથે રહેતાં હોઇ જેઠ ભરતભાઇ અને જેઠાણી ભાવનાબેને આવી સસરાના પૈસા આવી ગયા છે તેમાંથી અમારો ભાગ આપો તેમ કહી હુમલો કર્યો હતો.

ગોંડલ તાલુકા પોલીસને હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ જાણ કરી હતી.

જીયાવડના વૃધ્ધે ઝેર પીધું

વાંકાનેરના જીયાવડમાં રહેતાં પ્રદ્યુમનસિંહ મેરૂભા ઝાલા (ઉ.૬૦) નામના વૃધ્ધે ગઇકાલે બપોરે વાડીએ ઝેરી દવા પી લેતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. (૧૪.૫)

(12:17 pm IST)