સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th January 2018

જુનાગઢ જલારામ મંદિરે આયોજીત 'સવા કરોડ' ગૌરક્ષા જાપમાં અદમ્ય ઉત્સાહ સાથે જોડાઇ રહેલા ભાવિકો

ધનુર્માસ નિમિતે દર વર્ષની જેમ

જુનાગઢ તા.૧૩ : શ્રી જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ મશરૂની યાદી જણાવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધર્નુમાસ નિમિતે શ્રી જલારામ મંદિર પોસ્ટ ઓફિસ રોડ ખાતે જેમાં ૩૩ કરોડ દેવતાનો ભાસ છે તેવી પવિત્ર ગૌમાતાઓની રક્ષા અને કલ્યાણ માટે સવા કરોડ ગૌરક્ષા જાપનું આયોજન હાથ ધરાયુ હોય મોટી સંખ્યામાં ભાવિક બહેનો તથા ભાઇઓ જાપ કાર્યમાં જોડાઇને ગૌમાતા પ્રત્યેની ધર્મભાવના પ્રગટ કરી રહ્યા છે.

મંદિરના પરિસરમાં ગૌમાતાની પ્રતિકૃતિની સન્મુખ આખો દિવસ બેસીને ભાવિક બહેનો તથા ભાઇઓ ગૌરક્ષા તથા ગૌમાતાના કલ્યાણ માટે પોત-પોતાના ઇષ્ટદેવની માળા જપીને ગૌમાતા પ્રત્યેનો ધર્મભાવ પ્રગટ કરીને ગૌમાતાની રક્ષા તથા કલ્યાણ માટે ઇશ્વરને પ્રાર્થના કરવામાં આવી રહી છે.

આખો દિવસ સવારથી સાંજ સુધી જાપ કરનારા ભાવિક બહેનોના સમૂહમાંથી વારાફરતી કોઇને કોઇ એક બેન અન્ય બહેનો માટે ઘેરેથી ફરાળ બનાવીને લાવે છે અને બપોરે સમૂહમાં ફરાળ કરીને ફરીથી જાપ કાર્યમાં લીન બની જાય છે.

આવતીકાલ ૧૪ તારીખે ઉતરાયણના દિવસે જાપ કાર્યની પુર્ણાહુતિ થશે અને સવા કરોડ જાપના લક્ષ્યાંકને બદલે ૧ાા (દોઢ) કરોડ કરતા પણ વધારે જાપ ભાવિકો દ્વારા કરીને ગૌમાતાની મુર્તિને ચરણે ધરીને ગૌમાતા પ્રત્યેની અદમ્ય ભકિતના દર્શન થશે.

(12:01 pm IST)