સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 13th January 2018

ધોરાજીના પંચનાથ મંદિર સફુરા નદીમાં ૧૦૦થી વધુ વિદેશી પક્ષીઓનુ આગમન

ધોરાજી તા.૧૩ : શહેર બહાર પ્રાચીન શ્રી પંચનાથ મહાદેવ મંદિર સામે સફુરા નદીમાં દર વર્ષે વિદેશી પક્ષીઓ આવે છે.

પ્રાચીન મહાભારત કાળના પંચનાથ મહાદેવ મંદિર સામેે આવેલ સફુરા નદીમાં આ વર્ષે ૧૦૦થી વધુ વિદેશી પક્ષીઓ આવ્યા છે અને શ્રધ્ધાળુઓ પક્ષીને નિહાળવા માટે  મોટા પ્રવાસમાં આવે છે.

શ્રી પંચનાથ મહાદેવ મંદિરના મહંતશ્રી શ્રધ્ધાનંદગીરીજી મહારાજએ જણાવેલ કે સફુરા નદીમાં દર વર્ષે વિદેશી પક્ષીઓ આવે છે. આ વર્ષે પણ ૧૦૦થી વધુ બતક ટાઇપના વિદેશી સપ્તરંગી પક્ષીઓ આવ્યા છે. જે નિહાળવા એક લ્હાવો છે સાથે પ૦થી વધુ બ્લેક કાચબા, ૧૦૦થી વધુ સફેદ બતક પણ આવ્યા છે અને ભગવાનશ્રી પંચનાથ મહાદેવના દર્શન સાથે સાથે શ્રધ્ધાળુઓને વિદેશી પક્ષી જોવાનો પણ અનેરો લ્હાવો જોવા મળે છે.

હાલમાં સફુરા નદીમાં પાણી ૩૦ ટકા જ રહ્યુ છે જો પાણી ખલાસ થઇ જશે તો પક્ષીઓ અને કુદરતી પ્રાકૃતિક સૌંદર્યનો નજારો વિખાઇ જશે. સફુરા નદીમાં નર્મદાનું પાણી નાખવામાં આવે અથવા ભાદર-ર ડેમનું પાણી ભરવામાં આવે તો આ વિસ્તારમાં પ્રકૃતિનું સૌંદર્ય કાયમી માટે જળવાઇ રહે.

વિદ્યાર્થી કેયુર બારોટએ પણ જણાવેલ કે ધોરાજીમાં એકમાત્ર ફરવાનુ સ્થળ પંચનાથ મહાદેવ મંદિર છે. સરકારે અને ધોરાજીના અધિકારીઓએ સફુરા નદીમા પાણીનો જથ્થો રાખવા જોઇએ તે માટે પ્રયાસ  હાથ ધરવો જોઇએ.

(12:01 pm IST)