સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

જુનાગઢ પરિક્રમાના બંદોબસ્તમાં રોકાયેલા રેલનગરના આરપીએફ હેડકોન્સ્ટેબલના ઘરમાં ૮૮ હજારની ચોરી

અંબાલાલભાઇ મારવાડી દ્વારકા ફરજ બજાવે છેઃ ઉપરના માળે રહેતાં તેમના ભાઇ ઘર બંધ કરી માતાના ઘરે ગયા હોઇ અને બંનેના પત્નિઓ માવતરે ગયા હોઇ ઘર રેઢુ હતું

રાજકોટ તા. ૧૨: રેલનગર શ્રધ્ધા રેસિડેન્સીમાં રહેતાં અને દ્વારકા આરપીએફમાં ફરજ બજાવતાં હેડકોન્સ્ટેબલ જુનાગઢ પરિક્રમાના બંદોબસ્તમાં ગયા હોઇ અને ઉપરના માળે રહેતાં તેમના ભાઇ માતાના ઘરે ગયા હોઇ રેઢા મકાનને નિશાન બનાવી તાળા તોડી તસ્કરો રૂ. ૮૮ હજારના સોના-ચાંદીના દાગીના ચોરી જતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે પ્ર.નગર પોલીસે રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ પર શ્રધ્ધા રેસિડેન્સી શેરી નં. ૩, બ્લોક નં. ૪માં રહેતાં અને દ્વારકામાં આરપીએફમાં હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અંબાલાલભાઇ ભગાજીભાઇ હીરાગર મારવાડી (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધ્યો છે.

અંબાલાલભાઇએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું દ્વારકામાં ફરજ બજાવું છું.  હું નીચેના માળે મારા પત્નિ અને દિકરી સાથે રહુ છું. જ્યારે મારા મોટા ભાઇ રાજુભાઇ અને તેમના પત્નિ ઉપરના માળે રહે છે. દિવાળીના વેકેશનમાં મારા પત્નિ કલ્પનાબેન અને ભાભી સોનલબેન પોતપોતાના પિયરે રાજસ્થાન રોકાવા ગયા છે. હું એકાદ અઠવાડીયાથી જુનાગઢ પરિક્રમા બંદોબસ્તમાં ગયો હતો. મારા ભાઇ રાજુભાઇ એકલા હતાં. મારા માતા શાંતાબેન અને મોટા ભાઇ જીવરાજભાઇ અમારા ઘરથી નજીક જ બીજી શેરીમાં રહે છે.

તા. ૯ના સાંજે સાતેક વાગ્યે મારા માતા અમારા ઘરે આંટો મારવા ગયા હતાં અને તાળુ મારી આવ્યા હતાં. ઉપરના માળે રહેતાં મારા ભાઇ રાજુભાઇ એકલા હોઇ તેઓ પણ ઘરને તાળુ મારી માતાના ઘરે ગયા હતાં. ૧૦મીએ સવારે પોણા છએક વાગ્યે મારા ભાઇ રાજુભાઇને પડોશી કિશોરસિંહે ફોન કરી તમારા ભાઇ અંબાલાલભાઇના મકાનના તાળા તુટ્યા છે તેવી જાણ કરતાં તેઓ ઘરે પહોંચ્યા હતાં. તેણે ઘરમાં તપાસ કરતાં કબાટ તૂટેલા અને બધી ચીજવસ્તુઓ વેરવિખેર જોવા મળી હતી. તેણે મને જાણ કરતાં હું જુનાગઢ રજા મુકી ઘરે આવ્યો હતો.

ઘરે પહોંચી તપાસ કરતાં કબાટની તિજોરીમાંથી સોનાનું મંગળસુત્ર રૂ. ૩૫ હજારનું, સોનાની બે વીંટીઓ રૂ. ૨૦ હજારની, સોનાની વીંટી રૂ. ૫ હજારની તથા બુટી રૂ. ૧૦ હજારની, બીજી બુટી ૫૦૦૦ની, ચાંદીનો કંદોરો રૂ. ૭ હજારનો તેમજ ચાંદીની જાંજરી રૂ. ૬ હજારની મળી કુલ ૮૮ હજારના દાગીનાની ચોરી થયાની ખબર પડી હતી. આસપાસમાં તપાસ કરવા છતાં કોઇ જાણકારી નહિ મળતાં અંતે પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરી હતી.

પ્ર.નગર પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પીએસઆઇ બી. પી. વેગડા તથા બાબુલાલે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:52 pm IST)