સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

ગિરનાર પરિક્રમા સુખરૂપ સંપન્ન થતા તંત્રને હાશકારો

ગિરનાર જંગલ ખાલીખમ, ભવનાથમાં જુજ યાત્રિકો, હવે સફાઈ અભિયાન હાથ ધરાશે

 જૂનાગઢ, તા. ૧૨ :. ગિરનાર પરિક્રમા સુખરૂપ સંપન્ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે અને યાત્રિકોનો આભાર વ્યકત કર્યો છે.

ગરવા ગિરનાર ફરતે શુક્રવારની મધરાતથી યોજાયેલી પાવનકારી પરિક્રમા આ વર્ષે એક દિવસ વહેલી પૂર્ણ થઈ છે અને છેલ્લે ગત રાત્રે નળપાણીની ઘોડી ખાતે ૫,૬૧,૪૯૯ યાત્રિકો નોંધાયા હતા અને આજે સવારે ૯ વાગ્યા સુધીમાં ૯૨,૪૧૬ ભાવિકોએ ગિરનારની યાત્રા કરી હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતુ.

ગિરનાર પરિક્રમા કોઈપણ જાતના વિઘ્ન વગર સંપન્ન થતા કલેકટર ડો. સૌરભ પારઘી, મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા, ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, નાયબ વન સંરક્ષક સુનીલ બેરવાલ, એસપી સૌરભસિંહ વગેરેએ રાહત અનુભવી છે.

ગિરનારની બીજી પરિક્રમા પૂર્ણ થતા ગિરનાર જંગલ ખાલીખમ થઈ ગયુ છે. ભવનાથ તળેટીમાં જુજ લોકો છે તે પણ ક્રમશઃ રવાના થઈ રહ્યા છે.

પરિક્રમા સંબંધી અન્નક્ષેત્રો સહિતના સેવાયજ્ઞો સંકેલાય ગયા છે.

પરિક્રમા દરમ્યાન ગિરનાર જંગલમા અમુક જગ્યાએ કચરો અને ગંદકી થયાના અહેવાલ છે. આજથી હવે ગિરનાર જંગલ તેમજ ભવનાથમા મનપા, વન વિભાગ તેમજ સેવાભાવી સંસ્થાઓ, મંડળો, વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છ અભિયાન હાથ ધરાશે.

(1:47 pm IST)