સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગુરૂનાનક જન્‍મજયંતીની ભકિતભાવથી ઉજવણી

ગુરૂદ્વારાઓમાં રોશનીનો ઝગમગાટઃ પ્રભાત ફેરી, સમુહ ભોજન સહીતના કાર્યક્રમો

રાજકોટ, તા., ૧૨: આજે રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગુરૂનાનક જન્‍મજયંતીની ભકિતભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે ગુરૂનાનક જયંતી નિમિતે સૌરાષ્‍ટ્રભરમાં સિંધી સમુદાય અને શીખ સમુદાય દ્વારા ભવ્‍ય ઉજવણી કરવામાં આવી રહી છે. રાતના ૧.ર૦ કલાકે ગુરૂ નાનકદેવનો જન્‍મોત્‍સવ ધામધુમથી ઉજવવામાં આવશે. જન્‍મોત્‍સવ નિમિતે નાનકદેવ મંદિરોને શણગારવામાં આવ્‍યા છે. તેમજ ગુરૂદ્વારાઓને પણ સજાવવામાં આવ્‍યા છે.

રાજકોટ

રાજકોટઃ શિખ સમુદાય દ્વારા છેલ્લા પંદર દિવસથી પ્રભાતફેરી શબ્‍દ કીર્તન વગેરે યોજાય છે. રાજકોટમાં હંસરાજનગર અને રેસકોર્ષ રીંગ રોડ આયકરભવન પાસે ગુરૂદ્વારામાં ધાર્મિક કાર્યક્રમો ચાલી રહયા છે. સીંધી સમુદાયમાં ગાયકવાડી, પરસાણાનગર, સદર બજાર, રામનાથપરા સહીતના તમામ નાનકદેવ મંદિરોમાં આધ્‍યાત્‍મીક કાર્યક્રમો યોજાઇ રહયા છે. સિંધી સમાજના આગેવાન હિંમતભાઇ કિશનાણીના જણાવ્‍યા મુજબ જન્‍મજયંતી નિમિતે સવારે ૩ વાગ્‍યે પ્રભાતફેરી નીકળી હતી. જેમાં નાનકસાહેબની મુર્તી સાથે સીંધી કોલોની, પરસાણાનગર, હંસરાજનગર, જંકશન પ્‍લોટ, ગાયકવાડ પ્‍લોટમાં નગરયાત્રા નીકળશે. જે કાર્યક્રમ સવારે આઠ વાગ્‍યા સુધી યોજાયો હતો.

તાલાલા

તાલાલાઃ શહેરમાં સમસ્‍ત સિંધી સમાજ દ્વારા આજે ગુરૂનાનકની પપ૦ મી જન્‍મજયંતી ભારે ભકિતભાવ પુર્વક ઉજવાઇ રહી છે. આ પ્રસંગે દિવસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ શોભાયાત્રા તાલાલા શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર પરીભ્રમણ કરી સ્‍ટેશન રોડ પર લોહાણા મહાજન વાડીએ પરત આવશે. ત્‍યાં સમુહ ભોજન સહીતના અવનવા ધાર્મિક, સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે. તાલાલા શહેર સમસ્‍ત સિંધી સમાજના ગૌરવવંતા આ ધાર્મિક કાર્યક્રમોમાં સમાજના તમામ પરીવારો ઉમંગથી ભાગ લઇ રહયા છે.

(11:47 am IST)