સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

વાંકાનેરનું આઇશ્રી માં ખોડીયાર ધામ માટેલ માટે એસ.ટી.તંત્રનું ઓરમાયુ વર્તન : ર બસ બંધ

વાંકાનેર તા.૧૨ : તાલુકાના માટેલ પ્રસિધ્ધ યાત્રાધામ આઇશ્રી ખોડીયાર માતાજીના મંદિરે આવવા જવા મુસાફરો યાત્રીકોને અતિ ઉપયોગી એવી બે બસો ગુજરાત એસટી બોર્ડના બે ડીવીઝને બંધ કરી દેતા ભાવિકોમાં આ તંત્ર સામે ભારે રોષ વ્યાપી રહ્યો છે.

સૌરાષ્ટ્ર ગુજરાતના પ્રસિધ્ધ ધાર્મિક સ્થાનોને વિકસાવવા રાજય સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ સતત પ્રયત્નશીલ રહ્યુ છે અને આવા પ્રસિધ્ધ ધામને વધુને વધુ સુવિધા મળે તેવા પ્રયાસો હોય છે ત્યારે રાજય સરકારનું એસટીતંત્ર માં ખોડીયારના યાત્રાધામ માટેલને વધુ સુવિધા આપવાને બદલે બે બસ જેમા ૧) જૂનાગઢ માટેલ કે જે ધોરાજી એસટી ડેપોની બસ અને (ર) સુરેન્દ્રનગર માટેલ આ બે બસ ચોમાસાને લઇને રસ્તા પ્રશ્નને આગળ ધરી બંધ કરી હોવાનુ મંદિર મહંત પૂ.રણછોડદાસજીબાપુએ જણાવ્યુ છે.

આ અગત્યની અને એસટીને પુરો ટ્રાફીક મળતો હોય તેવી બસો બંધ થતા જૂનાગઢ જીલ્લા તથા સુરેન્દ્રનગર જીલ્લાના  યાત્રીકોને માટેલ દર્શને આવવા ઉપયોગી એવી બંને બસ બંધ થતા લોકો તકલીફ ભોગવી પ્રાઇવેટ વાહનમાં માતાજીના દર્શને આવે છે.

પ્રસિધ્ધ તીર્થધામ હોય રહેવા જમવાની સુવિધા હોવાથી દરરોજ બહોળી સંખ્યામાં લોકો માંના દર્શને પધારે છે. આ બંધ થયેલ બસ જેમાં સુરેન્દ્રનગર માટેલ બસ રાત્રીરોકાણ માટેલ કરતી હોય જેથી રાત્રે રોકાયેલ ભાવિકો વહેલી સવારે આરતી દર્શનનો લાભ લઇ જે તે ગામ જવા માટે આ બસ આશિર્વાદરૂપ હતી. રસ્તા ખરાબની વાત કરતા એસટી ડેપો જવાબદાર અધિકારીઓને ઉપરાંત રાજકોટ ડીવીઝન, એસટી બોર્ડ ડીરે. બીપીનભાઇ દવે, જૂનાગઢ, સુરેન્દ્રનગર, ધોરાજી ડેપો મેનેજર તમામને મંદિરના મહંત શ્રી રણુબાપુએ પત્ર પાઠવી ફોન કરી રજૂઆત કરો પરંતુ કોઇ આ રજૂઆતોને ગણકારતુ નથી. સુરેન્દ્રનગર ડેપોની આ બસ જો થાન થઇ માટેલ આવે તો રસ્તો સારો હોવાનુ અને ત્યાથી ચલાવવામાં માંગણી કરી છે.

ધાર્મિક સ્થાનો પ્રત્યે આસ્થા ધરાવતી ગુજરાત રાજયની ભાજપ સરકાર મુ. નેતાશ્રીઓ મંત્રીશ્રીઓ યાત્રાધામની એસટી તંત્ર દ્વારા બંધ કરેલ બસ ચાલુ કરાવશે? તેવુ પ્રજામાં પુછાય રહ્યુ છે.

(11:35 am IST)