સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 12th November 2019

કોડીનાર શિવસેના દ્વારા શહેરમાં લાઇસન્સ વિના ધમધમતી હોટલો અને કત્લખાના બંધ કરાવવા આવેદન પત્ર

કોડીનર તા. ૧ર : કોડીનાર શહેરમાં લાઇસન્સ વિના ધમધમતા કતલખાના અને નોનવેજની હોટલો બંધ કરાવવા અને માંસાહારનો કચરો ગમે ત્યાં ફેંકતા લોકો સામે કડક કાર્યવાહી કરવા કોડીનાર શિવસેનાએ આજે નગરપાલીકાના ચીફ ઓફીસરને આવેદન પત્ર પાઠવી માગણી કરી છે. આ અંગે કોડીનાર શિવસેના દ્વારા પાઠવાયેલા આવેદન પત્રમાં જણાવ્યા મુજબ કોડીનાર શહેરમાં પાણી દરવાજા, ઉના, ઝાપા, મેમણ કોલોની નજીક, સ્યુગર ફેકટરી રોડ, જીન પ્લોટ સહિતના અન્ય ઘણાં વિસ્તારોમાં લાઇસન્સ વિનાની નોનવેજની હોટલો અને કતલખાન જાહેરમાં ધમધમી રહ્યા છે, તેમજ કતલખાનાના સંચાલકો માંસાહારનો વેસ્ટજ કચરો જાહેરમાં ગમે ત્યાં ફેંકતા હોય તેનાથી શહેરમાં ગંદકી અને રોગચાળો ફેલાવાની દહેશત વ્યકત કરી શહેરની વચ્ચોવચ શેખવાડા, જીન પ્લોટ, પાણી દરવાજા, મેમણ કોલોની નજીક બેખોફ ધમધમી રહેલા મુરઘીના કત્લખાનાઓ અને માછલીનો વેપાર બંધ કરાવવા અને હિન્દુઓના ધાર્મિક તહેવારો નિમિતે નોનવેજની હોટલો અને કતલખાના બંધ કરાવવા આવેદન પત્રમાં રજૂઆત કરી રજૂઆતના અંતે જો તંત્ર દ્વારા યોગ્ય સમયમાં કોઇ કાર્યવાહી કરવામાં નહી આવે તો કોડીનાર શિવસેના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેની સમગ્ર જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તકે કોડીનાર શહેર શિવસેનાના પ્રમુખ રાજુભાઇ બાભણીયા, પાર્થ પુરોહીત સહિતના શિવસૈનિકો ઉપસ્થિત રહ્યા હતાં.

(10:57 am IST)