સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની પૌરાણિક મૂર્તિની ચોરી કરાઈ

લખતરના રાજવી પરિવારી હવેલીમાંથી ચોરી : રાધાકૃષ્ણ મૂર્તિ ઉપરાંત અતિપૌરાણિક-એન્ટિક મૂર્તિઓ સહિત ૪૦ લાખનાં સોના-ચાંદીનાં વાસણની ચોરી કરાઈ

અમદાવાદ, તા.૧૨: સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતરનાં રાજવી પરિવારની દરબારગઢમાં આવેલી રણછોડરાયની હવેલીમાંથી ૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની મૂર્તિ, અતિપૌરાણિક અને એન્ટિક મૂર્તિઓ સહિત રૂ. ૪૦ લાખનાં સોના-ચાંદીનાં વાસણનાં સામાનની ચોરી થતાં જબરદસ્ત ખળભળાટ મચી જવા પામ્યો છે. વહેલી સવારે પૂજા-અર્ચના કરવા માટે રાજવી પરિવારનાં સભ્યો ગયા ત્યારે ચોરી થઇ હોવાની જાણ થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ લખતર પોલીસ અને જિલ્લા એલસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાનાં લખતર સ્ટેટનાં દરબારગઢમાં રણછોડરાયજીની હવેલી આવેલી છે. હવેલીમાં રાધાકૃષ્ણ સાથે અન્ય દેવી-દેવતાઓની મૂર્તિની પરંપરાગત રાજવી પરિવાર પૂજા-અર્ચના કરે છે. ઉપરાંત અનેક અતિપૌરાણિક અને એન્ટિક મૂર્તિઓ મંદિરમાં રાખવામાં આવેલી છે. બુધવારે રાત્રે અજાણ્યા તસ્કરોએ દરબારગઢની દીવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો હતો. કોઠાર રૂમનું તાળું તોડી અંદર પેટીમાં રાખેલી ચાવીનો ઝૂડો લઇને એક પછી એક તાળાં ખોલી મંદિરમાં રાખેલી ૩૭૯ વર્ષ જૂની રાધાકૃષ્ણની પંચધાતુની મૂર્તિની સાથે રઘુનાથજી, યમુનાજી, ઠાકોરજી સહિતની મૂર્તિ, તેમને ભોજન કરાવવા માટેનાં સોના-ચાંદીનાં વાસણો, સોનાની કંકાવટી, સોનાનો દડો સહિત સોના-ચાંદીની ૩૧ વસ્તુ મળીને કુલ રૂ. ૪૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. વહેલી સવારે રાજવી પરિવારના સભ્ય જયારે પૂજા કરવા ગયા ત્યારે ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા મનીન્દર પવાર સહિત સ્થાનિક પોલીસ અને એલસીબીનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ સમગ્ર પ્રકરણમાં ડોગ સ્કવોડની મદદ પણ લેવામાં આવી હતી. ડોગ હવેલીથી નીકળ્યા બાદ લખતરનાં ગઢ સુધી આવીને અટકી ગયો હતો. આ પ્રાચીન મૂર્તિઓ સાથે એન્ટિક પીસની ચોરી થતાં જિલ્લાનું પોલીસતંત્ર દોડતું થઇ ગયું છે. આ ઘટના અંગે રાજવી પરિવારના હરપાલસિંહ ઉર્ફે હેપીદાદા ગજેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તસ્કરોએ હવેલીનાં મુખ્ય દરવાજાનું તાળું તોડી પેટીમાંથી ચાવી લઇને બાકીના દરવાજા ખોલ્યાં છે, જે જોતાં કોઇ જાણભેદુએ ચોરી કરી હોવાનું જણાતું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

(8:19 pm IST)