આટકોટના વિરનગર પાસે નરેશભાઇ સોલંકીને હડધૂત કરી ૮૦ હજારના ચેઇનની લૂંટ
યાસીન સંધી અને એક યુવતી સહિત ત્રણ શખ્સોએ આવી દરગાહ ઉપર કેમ સૂતો છો ? કહી છરી બતાવી ચેઇન લૂંટી લીધો
રાજકોટ, તા. ૧ર : આટકોટના વિરનગર હાઇવે રોડ પર શિવવિહાર હોટલ સામે પીરની દરગાહ પાસે બે શખ્સો અને એક યુવતીએ વણકર યુવાનને છરી બતાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી રૂ. ૮૦ હજારના ચેઇનની લૂંટ ચલાવતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ વિરનગરમાં હરીજનવાસમાં રહેતા નરેશભાઇ કાન્તીભાઇ સોલંકી (ઉ.વ.૩૪) ગત તા. ૬/૧૦ના રોજ આટકોટ-વિરનગર હાઇવે પર શિવવિહાર હોટલ સામે પીરની દરગાહમાં સૂતા હતા. ત્યારે આટકોટનો યાસીન સંધી તથા એક ર૦ થી રપ વર્ષનો અજાણ્યો શખ્સ અને એક યુવતીએ આવી દરગાહ ઉપર કેમ સૂતો છો ? તેમ કહી ઢીકાપાટુનો મારમારી છરી બતાવી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી રૂ. ૮૦/- હજારનો સોનાનો ચેઇન લૂંટ લીધો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ત્રણેય નાસી ગયા હતા. આ અંગે નરેશભાઇ સોલંકીએ આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે યાસીન સંધી તથા એક યુવતી સહિત ત્રણ શખ્સો સામે લૂંટ તથા એટ્રોસીટીની કલમ હેઠળ ગુનો દાખલ કરી એસટી એસસી સેલના અધિકારી એસ.એસ. મહેતાએ તપાસ આદરી છે. (૯.ર)