સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

ભાણવડનાં ઢેબર ગામની સીમ માંથી ૧૯૦૦ ટન ખનીજ ચોરી ઝડપાઇઃ ૬.રપ લાખનો મુદ્દામાલ જપ્ત

૩ આરોપીઓ ફરાર થતા શોધખોળ

ભાણવડ તા.૧૨: ભાણવડ તાલુકાના ઢેબર ગામની પાવ સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે સરકારી ખરાબાની જગ્યામાંથી લાઇમ સ્ટોનનું ઉત્ખનન કરી રહયા હોવાની પુર્વ બાતમી મળી હતી જેને આધારે સવારે આઠ વાગ્યાના સુમારે ભાણવડ પોલીસ કાફલાએ રેડ કરી હતી. ત્યારે ધીરૂભાઇ છગનભાઇ કોળીની વાડીની બાજુમાં આવેલ સરકારી ખરાબામાંથી કોઇપણ જાતની પરવાનગી કે લીઝ પરમીટ વગર, કોઇ સક્ષમ અધિકારીની મંજુરી વગર હસન ઉર્ફે બાબાભાઇ કાસમભાઇ ઉર્ફે બદુ હિંગોરા, અયુબ કાસમભાઇ ઉર્ફે બદુ હિંગોરા તથા નુરમામંદ ઉર્ફે નુરા કાસમ ઉર્ફે બદુ હિંગોરા (રહે. બધા ઢેબર) નામના ત્રણ શખ્સો ગેરકાયદેસર ખનીજચોરી કરી રહયા હતા અને પોલીસને જોઇને નાસી છુટયા હતા.

બનાવના સ્થળેથી પોલીસે ૧૯૦૦ ટન ખનિજ કિ.રૂ. ૫,૦૧,૬૦૦/- તથા ખનિજ ઉત્ખનન માટે વાપરવામાં આવેલી ચકરડી મશીન -૧ કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-, ઇલે.મોટર નંગ-ર કિ.રૂ. ૨૪,૦૦૦/- સહિત રૂ. ૬,૨૫,૬૦૦/- ની કિંમતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને ફરિયાદી પો.કોન્સ. ભરતજી ઓડેદરાની ફરિયાદને પગલે ત્રણેય ફરારી આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવેલ. છે.(૧.૧૧)

(12:12 pm IST)