સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

જસદણને પાણી પુરૂ પાડતા આલણસાગર ડેમમાં ''સોૈની'' યોજનાથી નર્મદાના નીર ઠલવાશે

કુંવરજીભાઇ બાવળીયા, ડો.ભરતભાઇ બોઘરાના હસ્તે ખાતમુહૂર્ત

આટકોટ તા.૧૨: જસદણ શહેરને પીવાનું પાણી પુરુ પાડતા આલણ સાગર ડમને સોૈની યોજના સાથે જોડી આ ડેમમાં પાણી ભરવા માટેની પાઇપ લાઇનનું આજે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અને જસદણનાં પુર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરાનાં હસ્તે મુહૂર્ત કરાશે.

જસદણથી ૪ કિ.મી. દૂર આવેલા આ ડેમ જસદણ શહેરની પ્રજા માટે પાણી પુરુ પાડવાનો એકમાત્ર રસ્તો છે. આ ડેમ આમ તો જસદણનાં રાજવી પરિવારે સિંચાઇ માટે બનાવેલો પરંતુ પીવાના પાણીની તંગીને લીધે હાલ જસદણ પાલિકા દ્વારા આ ડેમમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે.

ઓછા વરસાદને લીધે આ ડેમ ઘણા વર્ષોથી ઓવરફલો થયો જ નથી જેથી ચોમાસા પછી થોડા સમયમાંજ આ ડેમમાં પાણી ખુટી જાય છે. અને જસદણની પ્રજા પાણી પ્રશ્ને ભારે હાલાકી ભોગવતી હોય છે.

આ ડેમ નર્મદા નીરથી ભરવા અગાઉ અનેક વખત માંગણીઓ પણ કરવામાં આવી હતી પરંતુ જસદણના પુર્વ ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા પાસે પાણી પુરવઠા વિભાગની જ જવાબદારી હોય તેમજ તેઓ આ વિસ્તારની મુશ્કેલીથી માહિતગાર હોય તાત્કાલિક સોૈની યોજના હેઠળ આ ડેમ ભરવાની મંજુરી આપી દીધી હતી.

જેના ભાગરૂપે આજે બપોરે ૨:૩૦ કલાકે દેવપરા ગામના પાટીયા પાસેથી નીકળતી સોૈની યોજનાની મેઇન લાઇન માંથી આલણ સાગર ડેમ સુધી પાઇપ લાઇન નાંખવાનાં કામનું ખાતમુહૂર્ત કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સરદાર પટેલ જળસંચય સહભાગી યોજનાનાં ચેરમેન ડો. ભરતભાઇ બોઘરા, જસદણ શહેર અને તાલુકાના આગેવાનોનાં હસ્તે થશે.

આ ડેમ ભરવાની પાઇપ લાઇનનું આજે ખાત મુહૂર્ત થવાનું હોય જસદણ તેમજ આજુબાજુના ગામોમાં હર્ષ ફેલાઇ જવા પામ્યો છે.(૧.૯)

 

(12:11 pm IST)