સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

વાંકાનેર-હળવદ-માળીયા મિંયાણા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માંગણી

વાંકાનેર, તા. ૧ર : ભાજપના સીનીયર અગ્રણી અને રાજયસભાના ભૂતપૂર્વ સાંસદ શ્રી લલિતભાઇ મહેતાએ રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલને પત્ર પાઠવી મોરબી જીલ્લાના વાંકાનેર-હળવદ-માળીયા તાલુકાને અર્ધઅછત અછતગ્રસ્ત જાહેર કરવા માંગણી કરી છે.

રાજય સરકાર ને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ઉપરોકત તાલુકામાં આ વર્ષ ચોમાસામાં પડેલી વરસાદની ખાધને પગલે ખેત પાકો લગભગ નિષ્ફળ ગયા જેવી સ્થિતિ છે, છેલ્લા વરસાદની ખાતને લઇ ઘાસચારો પણ નિષ્ફળ ગયો છે. ચરીયાણ જમીનો સૂકી ભઠ જોવા મળે છે. ઘાસચારાનો ભાવ પણ ભડકે બળે છે. ત્રણ ગણાથી વધુ ભાવો જુવારની કડબ રૂ. ૧૮૦ના ભાવે પણ મળવી મુશ્કેલ બની છે.

પાંજરાપોળ માટે પશુધન નિભાવ થાય તેવી સ્થિતિ નથી ભયંકાર મંદી, મોંઘવારીથી દાનની આવકમાં પણ મોટી ઘટ પડી છે. દાન બંધ થઇ ગયા બરાબર છે વરસાદ ખેંચને પગલે તળાવો ભરાયા નથી, બોર ડુકી જવાની સ્થિતિ છે. પશુધનને પીવા માટેના પાણીની ખેંચ છે, પશુપાલકો પણ જબરી ખેંચ અનુભવે છે. આ વિસ્તારમાં ૬ર% વરસાદની ખાધ છે આ બધી હકીકતને ધ્યાનમાં લઇ માત્ર ૧રપ મી.મી. વરસાદ થયો હોય તે ધ્યાને નહીં લેતા વાસ્તવીક સ્થિતિનો અહેવાલ મેળવી કેબીનેટ મીટીંગમાં રાહત સીમતિમાં તત્વરીત હાથ ધરવા માંગણી કરી છે. (૮.પ)

 

(12:09 pm IST)