સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th October 2018

માલિયાસણ પાસે ટ્રક પાછળ એસટી બસ અથડાઇઃ બસચાલક અને એક મુસાફરનું મોતઃ ૬ ઘાયલ થયા

બસ જાલોદથી જામનગર જતી'તીઃ ડ્રાઇવર ખેડાના પીજ ગામના નવીનચંદ્ર મકવાણા (ઉ.૫૧), મુસાફર લીમખેડાના નરવત તડવી (ઉ.૪૦)નું મોતઃ નરવતના પત્નિ રેશમબેન, પુત્રો દુલો, જીગર તથા અન્ય મુસાફરો દાદુસિંગ તથા ઇલાબેન અને કંડકટર હર્ષદભાઇને ઇજા

મૃત્યુ પામનાર બસચાલક નવીનચંદ્ર મકવાણા અને મજૂર નરવત તડવીના નિષ્પ્રાણ દેહ તથા ઇજાગ્રસ્તો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૨: કુવાડવા રોડ પર માલિયાસણ પાસે મોડી રાત્રે દોઢેક વાગ્યે આગળ જઇ રહેલા ટ્રક પાછળ એસટી બસ ધડાકાભેર અથડાતાં બસચાલક અને એક મુસાફરના ગંભીર ઇજા થતાં મોત નિપજ્યા હતાં. જ્યારે છને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્યા મુજબ ખેડાના વસો તાબેના પીજ ગામે રહેતાં અને નડિયાદ એસટી ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં નવીનચંદ્ર કનુભાઇ મકવાણા (વણકર) (ઉ.૫૧) સાંજે જાલોદથી જામનગર રૂટની એસટી બસ હંકારીને છએક વાગ્યે રવાના થયા હતાં. રાત્રે દોઢેક વાગ્યે માલિયાસણ પાસે પહોંચ્યા ત્યારે આગળના ટ્રક ચાલકે બીજા કોઇ વાહનને ઓવરટેઇક કરવા જતાં અને બાદમાં અચાનક બ્રેક મારતાં તેની પાછળ એસટી બસ અથડાતાં બસ ચાલક નવીનચંદ્ર તેમજ કંડકટર વસો ગામના હર્ષદભાઇ મણીભાઇ રોહિત (ઉ.૪૬) તથા મુસાફરો લીમખેડાના નરવત વેસ્તાભાઇ તડવી (ઉ.૪૦), તેની પત્નિ રેશમબેન તડવી (ઉ.૩૫), પુત્રો દુલો નરવત (ઉ.૧૪), જીગર નરવત (ઉ.૪) તથા અન્ય મુસાફર દાદુસિંગ ચોૈહાણ (ઉ.૧૯), ઇલાબેન દાનજીભાઇ રાઠોડ (ઉ.૪૫)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જેમાં ગંભીર ઇજાગ્રસ્ત બસચાલક નવીનચંદ્ર મકવાણા અને મુસાફર નરવત તડવીના મોત નિપજ્યાનું જાહેર કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ કુવાડવા પોલીસને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ના ઇએમટી ઇએમટી ધનજીભાઇ અને પાઇલોટ વિપુલભાઇએ હોસ્પિટલે ખસેડ્યા હતાં.

મૃત્યુ પામનાર નવીનચંદ્ર બે ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં  એક પુત્રી અને બે પુત્ર છે. જ્યારે નરવત પોતે બે ભાઇ અને બે બહેનમાં ત્રીજો હતો. સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે. તે અને તેના પરિવારજનો રાજકોટ તરફ મજુરી કામ માટે આવી રહ્યા હતાં. કુવાડવાના એએસઆઇ ફતેહસિંહ સોલંકી અને જયંતિભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બસના કંડકટર હર્ષદભાઇના કહેવા મુજબ પોતે ટિકીટનું મશીન લેવા ઉભા થયા ત્યારે જ અકસ્માત સર્જાતા પડી જતાં ઇજા થઇ હતી. ટ્રક ચાલકે ઓવરટેઇકનો પ્રયાસ કર્યા બાદ અચાનક બ્રેક મારતાં તેની પાછળ બસ અથડાઇ પડી હતી. (૧૪.૬)

(12:03 pm IST)