સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

ક્ષમા આવી હશે તેનામાં જ જ્ઞાન આવેઃ પૂ.મોરારીબાપુ

જામનગરમાં આયોજીત 'માનસ ક્ષમા' શ્રીરામ કથાનો છઠ્ઠો દિવસઃ પૂ.રમેશભાઇ ઓઝા, પૂ. રઘુરામબાપા સહિતની ઉપસ્થિતિ

જામનગરઃ મોરારીબાપુની માનસ ક્ષમા રામકથામાં છઠ્ઠા દિવસે કથા પંડાલોમા માનવ મહેરામણ છલોછલ જોવા મળ્યો હતો. કથામાં ખાસ ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા (પૂ.ભાઈશ્રી), વિરપુર જલારામ મંદિરના પૂજય રઘુરામબાપા સહિતના સંતો મહંતો અને વિવિધ કલાકારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.(તસવીરોઃ કિંજલ કારસરીયા.જામનગર)

 જામનગર, તા.૧૨: જામનગરમાં ચાલી રહેલી માનસ ક્ષમા રામકથાના છઠ્ઠા દિવસે મોરારીબાપુની કથા સાંભળવા કથા પંડાળ છલોછલ ભરાઈ ગયો હતો. કથાના છઠ્ઠા દિવસે ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા (પૂ.ભાઈશ્રી) અને વિવિધ સંતો મહંતો અને નામી અનામી કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

માનસ ક્ષમા રામકથાના પાંચમા દિવસે મોરારીબાપુએ રામજન્મની કથાનું વર્ણન કરી ઉપસ્થિત શ્રોતાઓને રામજન્મની વ્યાસપીઠ પરથી વધાઈ આપી હતી. કથાના વિરામ બાદ પૂજય મોરારીબાપુએ કથા સ્થળે ચાલી રહેલા ભોજન પંડાલની મુલાકાત લીધી હતી. રામકથાના આયોજક પરિવારના જયંતિભાઈ ચંદ્રા સાથે ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરી પોતાના પાત્રમાં મોરારીબાપુએ પ્રભુ પ્રસાદ લીધો હતો. અને રસોઈ સ્થળે પણ મુલાકાત લીધી હતી. કથા દરમ્યાન મોરારીબાપુએ કહ્યું હતું કે, પ્રસાદનો બગાડ કરવો ન જોઈએ અને આ પ્રસંગે સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં ચાલતા અન્નક્ષેત્રોમાં અન્ન નહીં બ્રહ્મ પીરસાઈ છે. જેથી અન્નક્ષેત્રોને વ્યાસપીઠ પરથી યાદ કરતા સાધુ પરંપરાની આ અન્નક્ષેત્રોની પરંપરા અંગે મોરારીબાપુએ માર્મિકતાથી સમજાવ્યું હતું.

છોટી કાશી એવા જામનગરમાં ચાલી રહેલી માનસ ક્ષમા રામકથાના છઠ્ઠા દિવસે 'મોરારીબાપુએ ક્ષમા વતા મેવહી' શ્લોક શ્રોતાઓને દાહોરાવતા પોતાના અભ્યાસકાળ દરમ્યાન ૬૦ થી ૬૨ વર્ષ પહેલાં કાકાની દુકાને બેસતાં તે વખતના ભાગવત કથાકાર અને વૈદ્ય જગજીવન દાદાને યાદ કરતા તેમની કથા સાંભળવા જતા તે વાત લોકોને વ્યાસસનેથી કહી હતી. કહ્યું દાદાએ પાથીએ પાથીએ તેલ નાખી સમજાવ્યું એ હું પોથીએ પોથીએથી તમને સમજાવું છું.

યોગની વાત કરી રામદેવ બાબાને યાદ કરતા મોરારીબાપુએ કહ્યું હતું કે,'યોગ સિદ્ઘિ હી.' યોગા કરવા ખૂબ સારું છે. ભારતનું ભાગ્ય છે. યોગી મળી જાય તો યોગ મળે. સમર્થ ગુરુના ચરણમાં રહીને જ યોગ કરાઈ.ઙ્ગ

ક્ષમામાં ભાવ તાલ ન હોય, ક્ષમા એટલે ક્ષમા, સમાજ અને સાધુના નિયમો જુદા હોય, પણ મારે ને તમારે એટલું શીખવું જોઈએ પરમ સાધુ કે,જેને પરમ તત્વનું શરણું લીધું હોય, પરમ પ્રેમ,કરૂણાનો આશય લીધો હોય તેવા સાધુની વાત કરતા કહ્યું કે, જેને પોતાની માં ની ખબર ન લીધી હોય તેવાને ભગવાન ન મળે. તેવી માર્મિક વાત કરતાં દૈવી શકિતનો આદર કરવા પોતાની માતાનો આદર કરવા યુવા વર્ગને ટકોર કરી હતી.

ઓશોની વાત કરતાં મોરારીબાપુએ કહ્યું કે, માનવીની આંખ, અને તેમાંય માતૃ શકિતની આંખ ગાયની આંખ જેવી તેજ છે. માં ની આંખ એ ઈશ્વરની અણસાર છે. સંતાનમાં માં ની આંખ અને બાપનો ટોન આવે છે. ક્ષમાનો વિષય નક્કી હોવાથી સાથે મળી નિરૂપણ કરીએ છીએ. વેદ વિધાન પ્રમાણ છે.અને ગામડીયાના મુખે નિકળેલ લોક વિધા પણ પ્રમાણ છે. પરમ સત્યને આશ્રિત હોય, દેશકાળ પ્રમાણે નહિ. તેવા વસ્તુ વાળા વ્યકિત, સાધુ હોય એ પરમ સાધુ કહી શકાય. આવા સાધુનું પ્રમાણ વેદો પણ નથી માંગતા.તેવું કહી ભરતનો સ્વભાવ વેદોને પસંદ નથી. પણ ભરત પ્રેમ, કરુણાને લઈને પરમ સાધુ હોવાનું મોરારીબાપુએ કથામાં જણાવ્યું હતું.

પરમ સાધુને નાની બુદ્ઘિથી માપવાની ચેષ્ટા થઈ હોવાનું ધ્યાને આવે તો ક્ષમા માંગી લેવી જોઈએ તેમ માનસ ચરિત કહે છે. તેવી વાત કરતા મોરારીબાપુએ કહ્યું હતું કે, વાણી ઘા કરે નહીં, ઘા જીલે. નાના બાળકોને મુખે બોલાતાં વેદોના શ્લોકમાં તેનું ઘરાનું બોલતું હોય છે. તેમાં કાઈ ભૂલ થાય તો એ જોવી નહિ.

આપણે હદયના કોઈ ખૂણે દ્વેષ ન હોય, પણ આપણાથી કઈ કહેવાય,

વિશ્વની બધી પીઠોમાં મોટી વ્યાસ પીઠ છે. વ્યાસપીઠ પર તમામ શકિત, કૃષ્ણ,રામ અને વેદોના આશીર્વાદ છે. તેમ મોરારીબાપુએ જામનગરની માનસ ક્ષમા રામકથામાં કહ્યું હતું.

આપણે ખબર હોય કે, આપણાંમાં અવગુણો હોય, છતાં આપણે પ્રભુ સમક્ષ આપણે ભૂલોને ભૂલવા પ્રાર્થના કરીએ છીએ. તે વાતને ટાંકતા કહ્યું કે, નાટકીય નહિ પણ અંતઃકરણથી ક્ષમા મંગાવી જોઈએ. અને એમાં ચુકયા તો પુરૂ.

ખૂણા જેટલા વધારે એટલો કચરો વધારે તેમ કહેતા મોરારીબાપુએ કહ્યું કે, બંગલાનો અવતાર નહિ. ઝૂંપડાનો અવતાર લેવાથી ઓછા ખૂણા હોય જેથી કચરો ઓછો થાય.તેવું મોરારીબાપુએ માર્મિક રીતે કહ્યું હતું.

અહલ્યાનો ઉદ્ઘાર કરતા રામની આંખો ભીંજાણી આ પ્રસંગને કહેતા પથ્થર પણ ન રહે જેથી લોકો અહલ્યાની ભૂલ શિલામાં પણ ન જોઈ શકે. તેવી રીતે ક્ષમા આપવાની વાત કરતા કહ્યું કે, રામના પગમાં એક રેખા વ્રજ છે તે વાત નાનપણમાં કૌશલ્યા માતાએ નવડાવતી વખતે કહી હતી. તેથી રામે કૌશલ્યા માતાની વાતને યાદ કરી અહલ્યાને મુકિત આપી પથ્થર પણ નામો નિશાન મિટાવી દીધું. આ ભગવાન રામે આપેલી ક્ષમા છે.તેનો સંદર્ભ ટાકી મોરારીબાપુએ ક્ષમાનો તર્ક સમજાવ્યો હતો. એક ઘા ને કટકા ત્રણ , આ સમજવું હોય તો ગુજરાતી ભણ તેમ કહી ગુજરાતી ભાષાનો પણ માનસ ક્ષમા રામકથામાં ઉલ્લેખ કરી મહાભારતની ચોપાઈ સાથે ધર્મને હાનિ થાય ત્યારે શકિતઓ આવે જ છે. તેવી વાત સાથે મોરારીબાપુએ રામકથા અને ક્ષમા અંગે શ્રોતાઓને કથામાં રસપાન કરાવ્યું હતું. અને કહ્યું હતું કે, જેનામાં ક્ષમા આવી હશે તેનામાં જ જ્ઞાન આવશે. કક્કાનો ક્રમ દાહોરાવતા મોરારીબાપુએ હાસ્યાસ્પદ રીતે  શ્રોતાઓને સમજાવ્યું હતું. આજે માનસ ક્ષમા રામ કથાના છઠ્ઠા દિવસે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રી), વિરપુર જલારામ મંદિરના રઘુરામબાપા, કલાકારો બિહારી હેમુ ગઢવી, હેમંત ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:01 pm IST)