સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

વ્યાસપીઠ ચિંટીયો ભરે, ટપલી મારે, આંખો પણ દેખાડેઃ પૂ. રમેશભાઇ ઓઝા

ગોંડલના શ્રી રામજી મંદિરે પૂ. હરિચરણદાસજી મહારાજની અધ્યક્ષતામાં આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહનો વિરામઃ વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિ

ગોંડલ,તા.૧૨: ગોંડલ રામજી મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહના પૂર્ણાહુતિ દીને પૂજય હરિચરણદાસજી બાપુના ભકતજનોનો માનવ મહેરામણ ઉમટયો હતો, રાજયના મુખ્યમંત્રી દર્શને આવ્યા હતા, શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલના નવા બિલ્ડિંગ માટે દાનની સરવાણી વહી હતી તેમજ પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા શ્રોતાઓને વ્યાસપીઠનો મહિમા સમજાવ્યો હતો.

ભાગવત સપ્તાહના પૂર્ણાહુતિ દીને રમેશભાઈ ઓઝા ખાસ કરીને બહેનો દીકરીઓ અને મહિલાઓને સશકત બનવાની શીખ આપી હતી યુવતીઓને ઝીરો ફિગર પાછળ દ્યેલુ ન થવા જણાવ્યું હતું. જશોદા માતાજી સશકત હતા તેઓ કયારેય પણ ડાયટ કરતા ન હતા, વર્તમાન સમયમાં બહેનો દીકરીઓ છતે પૈસા ભૂખી રહે છે, સમયસર ખાઈ લેવું જોઈએ અને કામ પણ કરી લેવું જોઈએ, અરે દ્યણી બહેનો તો પરિશ્રમના કામ માટે બીજા માણસો રાખે છે, સવારના કસરત કરવા જાય છે અને પોતે ભૂખ્યા રહી ડાયટ કરે છે આવુ ભૂખ્યું શા માટે રહેવું જોઈએ તેવો કટાક્ષ કર્યો હતો.

વ્યાસપીઠ નો મહિમા જણાવતા પૂજય ભાઇશ્રીએ કહ્યું હતું કે ઘણી વખત વ્યાસપીઠ ચિંટિયો પણ ભરે, ટપલી પણ મારે, આંખો પણ દેખાડે અને ગુસ્સો પણ કરે તેમાં દ્વેષ હોતો નથી એ તો મા-બાપની જેમ ચિંતા હોય છે, પિતા કયારેક પુત્રને માર મારે તો પુત્ર માફી માગવાનું કહે ? મહેરબાની કરીને તમે આ વાતને કોઈ ઘટનાના સંદર્ભમાં લેતા નહીં વ્યાસપીઠ ભગવાનની પીઠ છે, સામેવાળા વ્યકિતવિશેષને વંદન નથી કરતા, વ્યાસપીઠનો આદર કરે છે, મુખ્યમંત્રી આવ્યા, વ્યાસપીઠને વંદન કર્યા એ આદર છે. રાજ દરબાર ભરાય તો રાજાનું સિંહાસન ઊચું હોય રાજગુરુને વંદન કરી રાજા રાજ ગાદી પર બેસે છે, રાજગુરુ પણ રાજાને વિષ્ણુ સ્વરૂપ એ જુએ છે, અને રાજા આશ્રમમાં જાય ત્યારે ગુરુના ચરણમાં બેસે છે, વ્યાસપીઠ ધર્મપીઠનો મહિમા છે, મુખ્યમંત્રી -વડાપ્રધાન માન આપતા હોય તો તે પીઠને માન છે, વ્યાસપીઠ પર બેસવું બહુ જ જવાબદારી પૂર્વક નું કામ છે, વ્યાસપીઠ પરથી ખોટા રાગદ્વેષના કોગળા કરાતા નથી, ધર્મ ક્ષેત્રમાં અંધાધૂંધી, કચરો કે ગંદકી ન ચલાવી લેવાય, વ્યવસ્થા વગર કશું જ ન ચાલે, ધર્મનું પણ સંવિધાન છે, શાસન પ્રશાસનમાં ધર્મ પૂરક છે.

ગોંડલના રામજી મંદિરે પૂજય હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના પૂર્ણાહૂતિ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજર રહી શ્રીમદ ભાગવત ને નમન કરી પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે ભાગવતના સ્મરણથી અનેક પાપ ધોવાઈ જાય છે, ભાગવત લોકોને સત્ય તરફ વાળે છે, પૂજય હરિચરણદાસજી મહારાજ દ્વારા ગુરુ રણછોડદાસજી મહારાજના આશીર્વાદથી પ્રભુ સેવા ની સાથે દરિદ્રનારાયણની સેવા કરવામાં આવી રહી છે આવી સેવા થકી જ ગુજરાત ઉજળું છે, ગુજરાતના ગૌરવના મૂળમાં પૂજય રણછોડદાસજી મહારાજ, પૂજય જલારામબાપા, નરસિંહ મહેતા, પૂજય નાથાભાઈ, બાપાસીતારામ, મોરારીબાપુ તેમજ રમેશભાઈ ઓઝા જેવા સંતો મહંતો ના પ્રતાપે ગુજરાત ગૌરવ યુકત બન્યુ છે, ગોંડલમાં શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલનું ખાત મુહૂર્ત મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે પણ તેઓની સૂચક હાજરી હતી, બાદમાં પણ અવારનવાર કાર્યક્રમોમાં આમંત્રણ આપી સૌભાગ્ય પ્રાપ્ત કરવામાં આવ્યું છે, નવી હોસ્પિટલના બિલ્ડિંગ માટે દાન આપનાર દાતાઓને ધન્યવાદ છે, ગોંડલની હોસ્પિટલમાં દવાની સાથે સંતોની દુઆનો સમન્વય છે, સો બેડની હોસ્પિટલ ૧૫૦ બેડની થઈ રહી છે, પરંતુ ૧૫૦ નહી ૫૦૦ બેડની હોસ્પિટલ બનાવો જેથી કરીને મેડિકલ કોલેજ પણ થઈ જશે, રાજય સરકાર મેડીકલ પોલીસી ને ધ્યાનમાં રાખી જમીન પણ આપશે, જેથી કરી વધુ સારા ડોકટરોની સગવડતા મળશે, મેડિકલ કોલેજ થાય તે માટે હિંમત કરો પૈસાની ચિંતા નથી પૂરતી સવલતો આપવામાં આવશે, વીસ વર્ષ પહેલાં ગુજરાતમાં ૯૦૦ મેડિકલ સીટ હતી, ત્રણ વર્ષમાં તેમાં જંપ લાગ્યો છે મેડીકલની ૫૫૦૦ સીટ ગુજરાતમાં ઉપલબ્ધ થવા પામી છે, જો મેડિકલ કોલેજ ઊભી થઈ જાય તો વિદ્યાર્થીઓને શહેર છોડી બીજા પ્રદેશ કે વિદેશ ભણવા જવાની જરૂર નહીં પડે અને છેવાડાના માનવીને પણ મેડિકલ સુવિધા મળતી થઈ જશે, શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી ઓપરેશન, ફ્રી દવા નું કાર્ય થઈ રહ્યું છે આવા કાર્યથી સિવિલ હોસ્પિટલમાં ભારણ દ્યટી રહ્યું છે, હોસ્પિટલના ટ્રસ્ટીઓને ધન્યવાદ છે, રાજય સરકાર હોસ્પિટલના રિકરિંગ ખર્ચમાં ગ્રાન્ટ આપવા તૈયાર છે, તાજેતરમાં જ ચાંપરડા ખાતે મુકતાનંદ બાપુ દ્વારા તૈયાર કરાયેલ હોસ્પિટલ તેમજ ધરમપુર ખાતે રાકેશભાઈજી દ્વારા તૈયાર કરાયેલ હોસ્પિટલને રાજય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી છે, ગોંડલ ની શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ને પણ એકસપેન્સની ચિંતા હોય તો રાજય સરકાર ગ્રાન્ટ આપશે અને નવી હોસ્પિટલને આધુનિક બનાવો રાજય સરકાર તમામ સુવિધાઓ આપશે તેવું અંતમાં જણાવ્યું હતું.

ગોંડલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ ના નવા બિલ્ડિંગ માટે કવેસ્ટ ફાઉન્ડેશન મુંબઈ ના અજયભાઈ શેઠ દ્વારા રૂપિયા એક કરોડનો ચેક તેમજ આફ્રિકાના ચેતનભાઇ ચગ દ્વારા પણ રૂપિયા એક કરોડનો ચેક મુખ્યમંત્રીની હાજરીમાં પૂજય હરિચરણદાસજી મહારાજના ચરણોમાં અર્પણ કરાયો હતો, આ સાથે જ બીનાબેન અજયભાઈ શેઠ દ્વારા મહાસ્વામી વિકલાંગ સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, આ વેળાએ સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ગોંડલ યુવરાજ હિમાંશુસિંહ જાડેજા સહિતનાઓ હાજર રહ્યા હતા.

(1:12 pm IST)