સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

જામનગરમાં કાલે જિલ્લા આયોજન મંડળના કામોના વર્ક ઓર્ડર અપાશે

જામનગર તા.૧૨ :  ઉર્જા મંત્રીશ્રી અને જામનગરના પ્રભારીમંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની ૧૫% વિવેકાધિન જોગવાઈ, ૫% પ્રોત્સાહક જોગવાઈ તથા સંસદસભ્ય ફંડ હેઠળ મંજુર થયેલ કામોની વહીવટી મંજુરી, વર્ક ઓર્ડર તેમજ ચેક વિતરણ તથા એ.ટી.વી.ટી. યોજનાના કામોને પ્રાથમિક મંજુરી અંગેનો કાર્યક્રમ કાલે તા.૧૩ ના રોજ બપોરે ૦૩: ૦૦ કલાકે ધન્વંતરી ઓડીટોરીયમ, જામનગર ખાતે યોજનાર છે.

આ કાર્યક્રમમાં કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા (ગ્રાહકોની બાબત) રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સંસદસભ્યશ્રી પુનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી, જામનગર તેમજ જિલ્લાના તમામ ધારાસભ્ય હાજર રહેશે.

આ કાર્યક્રમ દરમિયાન આયોજન મંડળની વિવિધ યોજનાઓમાંથી મંજુર કરેલ કામોના વહીવટી મંજુરીના હુકમ, વર્ક ઓર્ડર તેમજ ચેકનું વિતરણ સંબંધિત અમલિકરણ અધિકારીશ્રીઓને કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સરપંચશ્રીઓ હાજર રહી તેઓને સ્ટેજ ઉપરથી મહાનુભાવો દ્વારા જિલ્લા આયોજન કચેરીએ મંજુર કરેલ કામોના વર્ક ઓર્ડર આપવામાં આવશે.

યુવાનોને ભારતીય સેનામાં જોડાવવાની અમૂલ્ય તક

જામનગર તા.૧૨ :ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે તા.૦૩/૧૧/૨૦૧૯ થી તા.૧૩/૧૧/૨૦૧૯ સુધી, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ,જામનગર ખાતે લશ્કરી ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ http://www.Joinindianarmy.nic.in વેબસાઈટ પર તા.૦૪/૦૯/૨૦૧૯ થી તા.૧૮/૧૦/૨૦૧૯ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરેલ હશે અને લશ્કરી ભરતી માટેની  યોગ્ય લાયકાત ધરાવતા હશે, તેવા ઉમેદવારોને ફકત ઈ-મેઈલ(E-mail) મારફતે જ કોલ લેટર મોકલવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા સંદર્ભે વધુ વિગતો માટે આર્મી ભરતી કાર્યાલય, જામનગર (૦૨૮૮-૨૫૫૦૭૩૪,મોઃ ૯૪૨૬૩ ૧૯૭૪૯) અથવા રોજગાર કચેરી ,જામનગર (૦૨૮૮-૨૫૬૪૬૫૪)નો સંપર્ક કરવા મદદનીશ નિયામક (રોજગાર) જામનગરની યાદીમાં જણાવાયું છે.

(12:10 pm IST)