સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

વાંકાનેરમાં જૈન દ્વારા સિધ્ધચક્ર મહાયંત્રનું પૂજન

 વાંકાનેર : ચાર્તુમાસ દરમિયાન ધાર્મિક અનુષ્ઠાનો અને જિનભકિતના જૂદા જૂદા કાર્યક્રમો તથા પર્યુષણ દરમિયાન માસક્ષમણ, અઠ્ઠાઇ, અઠ્ઠમ તપની આરાધનાઓ કરાવનાર સાધ્વીજી ભગવંત દર્શનરત્નાશ્રીજી મહારાજે સિધ્ધચક્ર મહાપૂજનની મહતા દર્શાવતા જણાવ્યું હતુ કે, સિધ્ધચક્ર મહાયંત્રનું પૂજન મનની શાંતિ, એકાગ્રતા, સંસારથી મુકિત અને સિધ્ધીપદ આપે છે. સાંસારીક યશ અને કિર્તી તથા ભૌતિક સુખસામગ્રી પણ સિધ્ધચક્રની આરાધનાથી પ્રાપ્ત થાય છે. રતિલાલ તારાચંદ દોશીના ધર્મપત્ની, સુશ્રાવિકા નિર્મળાબેન દોશી આત્મકલ્યાણાર્થે તેમના પુત્ર પરેશભાઇ પુત્રવધુ બીનાબેન દોશી દ્વારા તથા બહારગામથી આવેલ ૧૫૦ થી વધુ જૈનોએ વાંકાનેર તપગચ્છ જૈનસંઘમાં ભવ્ય સિધ્ધચક્ર પૂજન ભણાવવાનો લાભ લીધો હતો. અરિહંતપદ પૂજનથી શરૂ કરી ૨૧ જૂદાજૂદા પૂજન પાંચ અભિષેક, અષ્ટપ્રકારી પૂજા, ૧૦૮ દીવાની આરતી, મંગળદિવો અને શાંતિકળશ સાથે પાંચ કલાક ચાલેલા આ મહાપૂજનનો લાભ ૭૦૦ જેટલા જૈનોએ લીધો હતો. આ પ્રસંગે સ્વામિવાત્સલ્ય જમણ પણ યોજાયુ હતુ. સાધર્મિકોનું બહુમાન અને ઉત્કૃષ્ઠ આત્માઓ એવા ભાવિ અરિહંત, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતોરૂપ શ્રી સંઘના શ્રાવક શ્રાવિકાઓને કુમકુમ તિલક તથા પ્રભાવના આપી કરવામાં આવતુ પૂજન એટલે સંઘપૂજન આવુ ઉત્કૃષ્ઠ સંઘપૂજન ૭૦૦ જેટલા હાજર દરેક શ્રાવક શ્રાવિકાઓનુ કરવામાં આવ્યુ હતુ.વાંકાનેર તપગચ્છ જૈન સંઘ પ્રમુખ પ્રવિણભાઇ દોશી, સેક્રેટરી રાજુભાઇ મહેતા, મુકુંદભાઇ દોશી, લલીતભાઇ મહેતા તથા જૈનયુવક મંડળના યુવાનો તથા જયશ્રીબેન દોશી, નિલાબેન દોશી અને મહિલા મંડળના બહેનોએ આ મહાપૂજનમાં ભકિતભાવપુર્વક ભાગ લઇ તથા દોશી કુટુંબને આ લાભ લેવા બદલ બિરદાવ્યા હતા. સિધ્ધચક્ર પૂજન તથા સંઘજમણની સંપુર્ણ વ્યવસ્થા (ભાણાભાઇ) લલીતભાઇ દોશીએ સંભાળી હતી. મહાપૂજન પ્રસંગે જીવદયા ભંડોળની ટહેલને સૌએ આવકારી રૂપિયા ૨૯૦૦૦ જેટલુ ભંડોળ શ્રી વાંકાનેર પાંજરાપોળને અર્પણ કર્યુ હતુ. સિધ્ધચક્ર મહાયંત્રના પૂજનની તસ્વીર.(તસ્વીર : નિલેશ ચંદારાણા, વાંકાનેર)

(12:08 pm IST)