સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

વિરપુરની ૧૭ વર્ષની દિવ્યા કબીરાનું માથામાં દુઃખાવો ઉપડ્યા બાદ બેભાન થઇ જતાં મોત

વાલ્મિકી યુવતિને વર્ષોથી કાનની બિમારી હતીઃ ગઇકાલે જ રાજકોટથી દવા લીધી'તી

રાજકોટ તા. ૧૨: વિરપુર (જલારામ)માં પોસ્ટ ઓફિસ પાછળ ઓમકૃપા ગેસ્ટ હાઉસવાળી શેરીમાં રહેતી દિવ્યા રાજુભાઇ કબીરા (ઉ.૧૭) નામની વાલ્મિકી યુવતિને ગઇકાલે સાંજે માથામાં દુઃખાવો શરૂ થઇ જતાં પરિવારજનોએ રાજકોટ ખસેડવા તજવીજ કરી હતી. રસ્તામાં તેણી બેભાન થઇ ગઇ હતી. સિવિલ હોસ્પિટલે પહોંચતા સારવાર માટે દાખલ કરાઇ હતી. પરંતુ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને  યુવરાજસિંહે વિરપુર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર દિવ્યા બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા સફાઇ કામદાર છે. તેમના કહેવા મુજબ દિવ્યાને નાનપણથી કાનના દુઃખાવાની અને રસી થઇ જવાની બિમારી હતી. ગઇકાલે જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેણીને બતાવી રિપોર્ટ કરાવી દવા લીધી હતી અને ઘરે ગયા હતાં. સાંજે અચાનક તેણીએ માથામાં ખુબ  દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરતાં અમે તેને રાજકોટ લઇ આવ્યા હતાં. પણ રસ્તામાં જ બેભાન થઇ ગઇ હતી અને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

(12:07 pm IST)