સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 12th September 2019

કોડીનારની શિંગોડા નદીમાં સતત બીજા દિવસે ઘોડાપુર : ડેમના ૩ દરવાજા ખોલાયા

કોડીનાર તા ૧૨  : કોડીનારમાં મેઘરાજાએ સતત વરસવાનું ચાલુ જ રાખ્યું હોય તેમ મંગળવારે રાત્રીના ૯ થી સવારે ૬ વાગ્યા સુધીમાં વધુ ૪ ઇંચ વરસાદ પડતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, જયારે કોડીનારના શિંગોડા ડેમ ભારે પાણીની આવકના લીધે ૩ દિવસમાં સતત ૩ જી વખત ઓવરફલો થતા કોડીનાર શહેરની મધ્યમાંથી પસાર થતી શિંગોડા નદીમાં સતત બીજા દિવસે ઘોડાપુર આવતા શહેર બે ભાગમાં વિખુટું પડયું હતું.

શિંગોડા ડેમના ૩ દરવાજા ર-ર ફૂટ ખોલવામાં આવ્યા હતા, જયારે આજે પણ બપોરે ૧૨ વાગ્યે ફરીથી ડેમના ૩ દરવાજા ર-ર ફૂટ ખોલવામાં આવતાં શિંગોડા નદીમાં ઘોડાપુર આવ્યા હતા. શિંગોડા ડેમના દરવાજા ખોલાવામાં આવતા નદી કાંઠેના અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરાયા હતા, કોડીનારમાં કાલના ૪ ઇંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૩૬ ઇંચ નોંધાયો છે.

(11:59 am IST)