સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

મોરબીમાં ૧૧ કલાત્મક તાજીયા ફર્યા : સમાપન સમયે એસ.પી., પાલીકા પ્રમુખ, ધારાસભ્યની હાજરી

મોરબી તા ૧૧ :  મોરબી ખાતે સોમવારે રાત્રે તાજીયા પળમાં આવ્યા બાદ મંગળવારે બપોરથી સાંજ સુધી નિર્ધારીત રૂટ, શહેરના રાજમાર્ગો પર ફર્યા હતા. ૧૧ કલાત્મક તાજીયાને નિહાળવા-દર્શન કરવા મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ જોડાયો હતો.

તાજીયાના રૂટ પર ઠેર ઠેર સબિલો બનાવવામાં આવી હતી, જેમાં ઠંડાપીણા, દુધ, પાણી સહિતના પ્રસાદનું વિતરણ થયું હતું. સાંજના સમયે વરસાદની વચ્ચે પણ તાજીયા ઝુલુસનો ઉત્સાહ ભંગ થયો નહોતો અને કલાત્મક તાજીયાને પ્લાસ્ટીક ઢાંકીદઇ ભ્રમણ કર્યુ હતું. રેકડાઓમાં હાઇફાઇ સાઉન્ડ સીસ્ટમમાં ઇસ્લામી કસીદાની કેસેટો અને લોબાનના ધુમાડા સાથે તાજીયા ઝુલુસ નીકળ્યા ત્યારે શહેરની બજારોમાં ભારે ભીડ ઉમટી હતી. અલગ અલગ વિસ્તારમાં બનાવવામાં આવેલ ૧૧ કલાત્મક તાજીયાઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. નહેરૂ ગેઇટ ચોક ખાતે સમાપન સમારોહમાં લાઇનમાં ગોઠવાયા હતા. સમાપન પ્રસંગે મુસ્લીમ ધર્મગુરૂઓ, આલીમોએ વાએજ ફરમાવી કોમી ભાઇચારા અને શાંતિ માટે દુવાઓ કરવા સાથે તાજીયા મહોત્સવમાં સહકાર આપનાર તમામ હિન્દુ-મુસ્લિમો, અધિકારીઓ, ડીપાર્ટમેન્ટનો આભાર માન્યો હતો.

(1:18 pm IST)