સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th August 2022

મોરબી નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીની યુવા આર્મી ગ્રુપની બહેનોએ પોલીસ જવાનોને રાખડી બાંધી

આરોગ્‍ય કર્મચારી મંડળની બહેનોએ મંત્રી મેરજાને રાખડી બાંધી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા. ૧૨: રક્ષાબંધન પર્વ નિમિતે નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખ પી ડી કાંજીયાની પ્રેરણાથી નવયુગ વિદ્યાલય મોરબીની વિદ્યાર્થીનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી હતી

ᅠમોરબી જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ જવાનોને રાખડી બાંધી નવયુગ વિધાલયની વિદ્યાર્થીનીઓએ રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી હતી એ ડીવીઝન પોલીસ મથક ખાતે પોલીસ અધિકારી અને કર્મચારીઓને રક્ષા સૂત્ર બાંધી પર્વ ઉજવવામાં આવ્‍યો હતો

જે પ્રસંગે એ ડીવીઝન પીઆઈ દ્વારા વિદ્યાર્થીનીઓને સોશ્‍યલ મીડિયા પરના તમામ બનાવોથી વાકેફ કરી જાગૃત બનવા જણાવ્‍યું હતું સાથે જ પોલીસ મથકની વિવિધ કામગીરી વિશે માહિતગાર કરી માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું તેમજ વિદ્યાર્થીનીઓને મીઠાઈ અને ચોકલેટ ખવડાવી કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરી હતી.

મોરબીમાં સર્વત્ર રક્ષાબંધનની ઉમંગ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. ત્‍યારે મોરબીના યુવા આર્મી ગ્રુપની બહેનો દ્વારા મોરબીમાં જિલ્લા પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. અને મોરબી જિલ્લા પોલીસ સ્‍ટેશનના પીઆઇ, પીએસઆઈ, કોન્‍સ્‍ટેબલને હાથે રાખડી બાંધી હતી.

આ અંગે યુવા આર્મી ગ્રુપની બહેનોએ પોલીસ જવાન ભાઈઓ માટે સંવેદના વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, આઈપીએસ અધિકારીથી માંડીને પોલીસ કોન્‍સ્‍ટેબલ ફરજ માટે પોતાના વતનથી દૂર અહીં આવીને પરિવાર કે તહેવારોની ઉજવણીની પરવા કર્યા વગર સતત પ્રજાની સુરક્ષા માટે તૈનાત રહે છે. ફરજને કારણે રક્ષાબંધને પણ પોતાની બહેન પાસે રાખડી બંધાવવા જઈ શકતા નથી.

માટે યુવા આર્મી ગ્રુપ દ્વારા રક્ષકોની રક્ષા અંતર્ગત આ રક્ષાબંધન પર્વની ઉજવણી મોરબી જિલ્લા પોલીસના ફરજ પર રહેલા જવાનો સાથે કરવામાં આવ્‍યું હતું. આપણી રક્ષા માટે પોતાના જીવ કે પરિવારની પરવા કર્યા વગર ફરજ બજાવતા આવા વિરલાઓને રાખડી બાંધવાનું સૌભાગ્‍ય પ્રાપ્ત થયું એ અમારા માટે મોટા ગૌરવની વાત છે. અને એમને રાખડી બાંધ્‍યા બાદ એમના ચહેરામાં જે ખુશી જોવા મળી તેનો અમને આનંદ છે. તેવુ યુવા આર્મી ラગ્રુપના મહિલા દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

ભાઈ-બહેનના અતુટ પ્રેમના બંધન એવા રક્ષાબંધન પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્‍યારે આરોગ્‍ય વિભાગની બહેનોએ મંત્રીને રક્ષા સૂત્ર બાંધી તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી

મોરબી જીલ્લા આરોગ્‍ય કર્મચારી મંડળની બહેનોએ આજે મોરબી-માળિયાના ધારાસભ્‍ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાને રાખડી બાંધી હતી રક્ષાબંધન પર્વ નિમિતે લોકલાડીલા ધારાસભ્‍ય અને મંત્રીને બહેનોએ રાખડી બાંધી હતી અને તેમના સ્‍વાસ્‍થ્‍ય તેમજ દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

ભાઈ-બહેનના અતુટ પ્રેમના બંધન એવા રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં બહેનોએ પોતાના વીરાના કાંડે રક્ષા સૂત્ર બાંધી ભાઈની સલામતી માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી

આજે રક્ષાબંધન પર્વની મોરબીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્‍યારે જેલમાં બંધ કેદીઓના બહેનો પણ આજના દિવસે પોતાના ભાઈને રાખડી બાંધવા માંગતી હોય જેથી પર્વને ધ્‍યાને લઈને સબ જેલના અધિક્ષક કે એસ પટણી અને ઇન્‍ચાર્જ સલામતી જેલર એ આર હાલપરા તેમજ ઇન્‍ચાર્જ જેલર પી એમ ચાવડા સાથે જેલના તમામ કર્મચારીઓ દ્વારા જેલમાં રહેલ બંદીવાનોને તેની બહેનો રાખડી બાંધી સકે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું

ત્‍યારે રક્ષાબંધન પર્વે રાખડી બાંધતી વેળાએ બહેનની આંખો ભીંજાઈ હતી જેમાં જેલમાં રહેલ બંદીવાનોની બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી હતી તે ઉપરાંત ઠેર ઠેર રક્ષાબંધન પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

(11:12 am IST)