સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 12th August 2019

કચ્છમાં મધ્યમ કક્ષાના ૧૦-નાની સિંચાઇના ૪ર ડેમ છલકાયા

સચરાચર વરસાદે જળસંકટને દૂર કરી નાંખ્યુઃ હજુ ૪પ ડેમ છલકાવવાની તૈયારીમાં

ભુજ, તા.,૧૨: શુક અને શનિવાર એમ બે દિવસના વરસાદે કચ્છમાં તળિયા ઝાટક થઈ ગયેલા ડેમોને પાણી થી લબાલાબ કરી દીધા છે. કચ્છમાં મેદ્યરાજાની મહેરને કારણે મોટી સિંચાઈના મધ્યમકક્ષાના ૨૦ ડેમ માંથી અડધોઅડધ ૧૦ ડેમ છલકાઈ ગયા છે. બાકીના મોટા ૧૦ ડેમમાં ૫૦ ટકાથી વધુ પાણી આવ્યા છે. જયારે નાની સિંચાઈના ૧૭૦ ડેમમાંથી ૪૨ ડેમ છલકાઈ ગયા છે અને ૪૫ ડેમમાં ૮૫ ટકાથી વધુ પાણી આવી જતાં છલકાવવાની તૈયારીમાં છે. જયારે ૮૩ ડેમમાં ૫૦ ટકાથી વધુ પાણી આવી ગયા છે. આમ, સચરાચાર વરસાદે કચ્છમાંથી જળસંકટને દૂર કરી નાખ્યું છે.

દુષ્કાળગ્રસ્ત કચ્છમાં છેલ્લા ઘણા સમયથી કચ્છીમાડુઓ મેઘરાજાની રાહ જોઇ રહયા હતા અને સુકા ભઠ્ઠ વિસ્તારમાં મેઘરાજા મહેર કરે તે માટે પ્રાર્થના કરી રહયા હતા. આ દરમિયાન છેલ્લા બે-ત્રણ દિવસમાં મેઘરાજાએ મહેર કરતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે.

શુક્રવારથી શરૂ થયેલ મેઘમહેર રવિવાર સુધી ચાલુ રહી હતી અને અનેક વિસ્તારોમાં ૧૦ થી રર ઇંચ જેટલો વરસાદ વરસી જતા પાણી-પાણી થઇ ગયું છે.

 ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઇ ગયા છે અને ખેડુતો દ્વારા વાવણી પણ શરૂ કરી દેવામાં આવી છે. જુદા-જુદા વિસ્તારોમાં તળાવના વધામણા કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. એકંદરે સચરાચર વરસાદથી હરખની હેલી છવાઇ છે.

(12:06 pm IST)