સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 12th July 2020

જામનગરના શૌચાલય કૌભાંડમાં મનપાના નાયબ ઈજનેર -કોન્ટ્રાકટર સહીત 9 સામે એસીબીએ ગુનો નોંધાતા ચકચાર

વર્ષ 2014થી 2017 ના સમયગાળામાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને એકજ શૌચાલયના બબ્બે વખત બીલ બનાવી પૈસા વસુલી લેવાયા

જામનગરના ચકચારી વોર્ડ નં 6 ના શૌચાલય કૌભાંડમાં ACB એ જામ્યુકોના નાયબ ઈજનેર, મદદનીશ ઈજનેર, કોન્ટ્રાક્ટર સહીત કુલ 9 વ્યક્તિઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધતા ચકચાર મચીજવા પામી છે. વર્ષ 2014થી 2017 ના સમયગાળા દરમ્યાન આ વોર્ડ માં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને એકજ શૌચાલયના બબ્બે વખત બીલ બનાવી પૈસા વસુલી લેવામાં આવ્યા હોવાની અરજી ACB માં કરવામાં આવી હતી જેના અનુસંધાને આજે આ ગુનો નોંધવામાં આવ્યો છે.

  પ્રાપ્ત વિગતો અનુસાર જામનગરના વોર્ડ નં 6 માં 2014 થી 2017 દરમ્યાન અમુક લાભાર્થીઓને એક સંસ્થાએ શૌચાલય બનાવી દીધા હતા. છતાં પણ બીજી સંસ્થાએ આવા લાભાર્થીઓના ખોટા દસ્તાવેજો ઉભાકરી મહાપાલિકામાં બીલ મુકીને તેની રકમ મેળવી લીધી હતી. તેમજ લાભાર્થીઓએ સરકારની રોકડ સહાય મેળવીને શૌચાલય બનાવેલા હોવા છતાં અમુક સંસ્થાઓએ આ રેહેણાંક મકાનોમાં બીજી વખત શૌચાલય બનાવી સરકારી યોજનાનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરી બબ્બે વખત લાભ મેળવ્યો હતો. આ પ્રકારના શૌચાલયોના બિલોની ચકાસણી કર્યા વગર મનપા ના અધિકારીઓએ પ્રમાણપત્રો આપીને પોતાની સત્તાનો દુરુપયોગ કરી કુલ રૂપિયા 78800 નું કૌભાંડ આચર્યાનું તપાસ દરમ્યાન બહાર આવતાં જામનગર ACB ના પીઆઈ એ.ડી.પરમારે આજે જામ્યુકોના નિવૃત નાયબ ઈજનેર હસમુખ વલ્લભભાઈ બેરા, મદદનીશ ઈજનેર કૌશલ વિજયભાઈ ચૌહાણ, વર્ક આસીસ્ટન્ટ દીપ પ્રવીણભાઈ વેકરીયા, નંદભૂમિ ગ્રામ વિકાસ ટ્રસ્ટ આણંદ, ભગવતી જરી રેશમ ખાદીગ્રામ ઉદ્યોગ બોરના, કવાડ કન્સ્ટ્રકશન, ટપુભાઈ માધાભાઈ રાઠોડ, શેખર શંકરભાઈ ગોવિંદભાઈ અને જટુભા કલુભા જેઠવા સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ની જુદીજુદી કલમો અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(11:09 pm IST)