સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

ભુજના કેરા ગામના સરપંચ સામે ૮૦ હજારની લાંચની માંગણી કરવા અંગે ફરિયાદ

(ભુજ) એસીબીએ ભુજના કેરા ગામના ભૂકંપ પછી ઔદ્યોગિક વિકાસને કારણે ગામડાઓમાં ઉદ્યોગો આવતાં કચ્છના ગ્રામીણ ક્ષેત્રે સરપંચ પદનું મહત્વ વધતાં ગ્રામપંચાયતના રાજકીય માહોલમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. 

ત્યારે એસીબી દ્વારા કેરા ગામના સરપંચ સામે લાંચની માગણીની ફરિયાદની ઘટનાને પગલે પટેલ ચોવીસી સહિત કચ્છના ગ્રામીણ રાજકારણમાં હલચલ મચી ગઇ છે. એસીબી પીઆઇ એમ.ડી.ઝાલાએ ૮૦ હજાર રૂપિયા લાંચ માંગવાના મુદ્દે  કેરા ગામના સરપંચ દિનેશ હરજી મહેશ્વરીની સામે ફરિયાદ નોંધતા કેરા ગામમાં પણ ખળભળાટ મચી ગયો હતો. 

એસીબીના જણાવ્યાનુસાર રહેણાંકના મકાનને તોડીને ત્યાં દુકાનો બનાવવાની મંજુરી આપવા માટે સરપંચ દિનેશ હરજી મહેશ્વરીએ ૮૦ હજાર રૂપિયા લાંચ પેટે માંગતા અરજદારે એસીબીને ફરિયાદ કરી હતી. એસીબી દ્વારા સરપંચ દિનેશ મહેશ્વરી વિરુદ્ધ જાહેરસેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરવાનો અને ભ્રષ્ટાચાર અંગેનો ગુનો નોંધાયો છે. 

આ કેસની વધુ તપાસ એસીબી પીઆઇ એ.એ.પંડ્યાને સોંપાઈ છે. લાંચ માંગવા અંગેના આ કિસ્સામાં તપાસ સહિતની કામગીરી બોર્ડર રેન્જ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન નીચે હાથ ધરાઈ હતી.

(3:31 pm IST)