સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th July 2019

જામનગરમાં ટાઇલ્સના ૮ વેપારીને ત્યાં વેટના દરોડા તપાસમાં તમામ બોગસ નીકળ્યાઃ આવી કોઇ પેઢી-વ્યકિત નથી

આ તમામના નામે રજીસ્ટ્રેશન કરાવી-બોગસ બીલીંગ થયાનો ધડાકોઃ જોઇન્ટ કમિશ્નર ગુર્જરનો સપાટો

રાજકોટ તા. ૧રઃ રાજકોટ વેટ તંત્રે વધુ એક મોટું બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી લઇ તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે.

વેટ તંત્રના ટોચના સુત્રોના ઉમેર્યા પ્રમાણે ચોકકસ બાતમી ડીવીઝન-૧૦ના જોઇન્ટ કમીશ્નર શ્રી ગુર્જરે પોતાની ટીમોને જામનગરના ૮ જેટલા ટાઇલ્સના વેપારી, શશી ટ્રેડર્સ, મંગલ ટ્રેડર્સ, સુંદરમ ટ્રેડર્સ, જયશ્રી ટ્રેડર્સ, શ્રી ટ્રેડીંગ, સ્ટાર ટ્રેડીંગ સુધા કોર્પોરેશન અને હિન્દુસ્નાન ટ્રાન્સપોર્ટને ત્યાં તપાસમાં મોકલી હતી.

ગઇકાલે સવારથી દરોડા શરૂ કરાયા, પરંતુ ઉપરોકત તમામ આઠેય વેપારીઓ બોગસ નીકળ્યા, આવી કોઇ પેઢી કે વ્યકિત સ્થળ ઉપર જ ન હોવાનું, સરનામા પણ બોગસ નીકળતા ટીમો ચોંકી ઉઠી હતી.

આખુ મોટું બોગસ બીલીંગ કૌભાંડ હોવાનું બહાર આવ્યું હતું, ઉપરોકત તમામના નામે કોઇ બીજા શહેરના શખ્શોએ રજીસ્ટ્રેશન લીધાનું અને વ્યવહારો કર્યાનું બહાર આવ્યું છે.

આ બાબતે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, અને બોગસ બીલીંગ આચરનાર તમામ શખ્શોને સાણસામાં લેવા દોડધામ થઇ રહી છે.

(3:23 pm IST)